Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કેન્દ્ર સરકારે વધુ ૧૦ મિલિયન વેકસીન ડોઝના આપ્યા ઓર્ડર

વેકસીન આપવાની ઝુંબેશ વધુ સઘન બનાવવા લેવાયો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દિલ્હી સહિત દેશનાં ૧૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. બીજી તરફ છેલ્લા એક અઠવાડીયામાં દેશનાં ૭ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈનાં મોત થયાની ઘટના બહાર આવી નથી. આમ દેશમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો હોવાનાં સંકેતો મળી રહ્યા છે. દેશમાં દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં દરરોજ નોંધાતા સરેરાશ મૃત્યુમાં પણ ૫૫ ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં સાઉથ આફ્રિકા વેરિઅન્ટ વાઈરસનું અસ્તિત્વ ન હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજી તરફ વેકિસન લીધા પછી ૯૭ ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો. તેમને કોઈ આડઅસર થઈ ન હતી. દેશમાં અત્યાર સુધીમાં ૬૨ લાખથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેકિસન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે વેકિસન આપવાની ઝુંબેશ વધુ સઘન બનાવવા સાથે સીરમ ઈન્સ્ટીટયૂટને એસ્ટ્રેઝેનેકાની વધુ ૧૦ મિલિયન ડોઝનાં અને ભારત બાયોટેકને વધુ ૪.૫ મિલિયન ડોઝનાં ઓર્ડર્સ આપ્યા છે. સરકારે ઓગસ્ટ સુધીમાં દેશનાં ૩૦ કરોડ લોકોને વેકિસન આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આઈસીએમઆરનાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશમાં ૨૦ કરોડથી વધુ એટલે કે ૨૦,૨૫,૮૭,૭૫૮ લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા હતા. સોમવારે ૬,૮૭,૧૩૮ લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું.

દેશનાં ૧૧ રાજયોમાં ૬૫ ટકાથી વધુ લોકોને વેકિસન અપાઈ છે. જેમાં બિહાર, ઓડિશા, ઉત્ત્।રાખંડ, મધ્યપ્રદેશ અને ત્રિપુરા જેવા રાજયોનાં સમાવેશ થાય છે. બીજી તરફ દિલ્હી, ચંડીગઢ, દાદરા નગર હવેલી, પંજાબ, લદાખ, કાશ્મીર જેવા રાજયોમાં ૪૦ ટકા લોકોને વેકિસનેશન હેઠળ આવરી લેવાયા હતા. કોરોનાની વેકિસનની આડઅસરથી ૨૩ મોત થયા છે જેમાં ૯ હોસ્પિટલમાં અને ૧૪ હોસ્પિટલની બહાર થયા છે.

(3:13 pm IST)