Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

હવે કર્ણાટકમાં ગૌહત્યા કરનારને આકરી સજા

યેદી સરકારે કર્યો પસાર કર્યો ખરડો

બેંગ્લોર તા. ૧૦ : કર્ણાટકમાં ગૌહત્યા રોકતો કાયદો વિધાન પરિષદમાં પાસ થઈ ગયો છે. ખરડો પાસ થયાની ખુશી મનાવતાં મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ગાયની વિશેષ પૂજા કરી હતી. યેદિયુરપ્પાએ પોતાના આવાસ પર ગૌમાતાના માથા પર કુમકુમ અને હળદરનું તીલક કરી તેને માળા પહેરાવી હતી. આ ખરડો પસાર થયા બાદ રાજયમાં બીફ (ગૌમાંસ) ઈન્ડસ્ટ્રીને ૫૦૦ કરોડથી વધુનો ઝટકો લાગશે.

આ પ્રસંગે રાજયના પશુપાલન મંત્રી પ્રભુ ચૌહાણ અને ગૃહમંત્રી બસાવરાજ બોમ્મઈ સહિત તેના મંત્રીમંડળના અન્ય સહયોગી પણ ઉપસ્થિત હતા. કર્ણાટકમાં પશુઓની કતલ અટકાવવા તેમજ સંરક્ષણ આપતો ખરડો વિધાનસભામાં પસાર થયા બાદ વિધાન પરિષદમાં અટકી ગયો હતો. આ ખરડો ભાજપ સરકારના મુખ્ય ખરડાઓ પૈકીનો એક હતો જેના વિશે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં વાયદો કરાયો હતો.

બીફ વ્યવસાયી ઔરંગજેબ કુરેશીએ કહ્યું કે એક સમય હતો જયારે અમે દરરોજ ૨૦૦ કિલો બીફ વેચતાં હતા. આ પ્રતિબંધ બાદ સપ્લાય ખોરવાઈ છે જેથી હવે અમારી પાસે ૫૦ કિલોનો સ્ટોક જ વધ્યો છે. પહેલાં અમે અંદાજે ૨૦૦૦ રૂપિયા સુધીનો નફો કમાઈ લેતા હતા પરંતુ હવે તો સ્ટોરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બનશે.ઉલ્લેખનીય છે

કે કર્ણાટક દેશના એ રાજયોમાં સામેલ થઈ ગયું છે જયાં ૧૨ વર્ષથી ઓછી વયની ગાય તેમજ ભેંસોના પરિવહન, તસ્કરી અને હત્યા કરનારા વિરુદ્ઘ સખત પગલાં લેવાની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ ઢોરના વધ પર સાત વર્ષ સુધીની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કોંગ્રેસ અને જેડીએસ આ ખરડાના વિરોધમાં હતા. બન્ને પક્ષનું કહેવું છે કે ભાજપની મંશા લઘુમતિઓને નિશાન બનાવવાની છે.

(3:17 pm IST)