Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અલકનંદામાંની માછલીઓને હોનારતનો અણસાર હતો

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાની ઘટના : અલકનંદા નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ સપાટીની નજીક આવી જતાં પાણીનો રંગ ચાંદી જેવો લાગતો હતો

નવી દિલ્હી, તા. ૧૦ : અલકનંદા નદી પાસે આવેલા લાસુ ગામની રવિવારની સવાર સામાન્ય દિવસ કરતાં થોડી મંદ હતી. પરંતુ એક વિચિત્ર ઘટનાને કારણે ચહેલપહેલ શરૂ થઈ હતી. અલકનંદા નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ સપાટીની નજીક આવી જતાં પાણીનો રંગ ચાંદી જેવો લાગતો હતો. સવારની ૯ વાગ્યાની આસપાસની આ ઘટનાએ કૌતુક સર્જ્યું હતું. થોડી જ ક્ષણોમાં સો જેટલા સ્થાનિકો બાસ્કેટ, ડોલ, માટલા, તવા લઈને નદી કિનારે માછલી પકડવા માટે આવી ગયા હતા. માછલીઓ એકદમ સપાટી પર હોવાથી તેમને ફિશિંગ રૉડ કે જાળ પણ અંદર નાખવાની જરૂર પડી નહોતી.

માછલીઓ મળવાની ખુશીમાં અજાણ ગામલોકોને નહોતી ખબર કે, ૭૦ કિલોમીટર ઉપરની તરફ એકાદ કલાકમાં જ હોનારત સર્જાવાની હતી. આ તેનો જ સંકેત હતો.

ગ્લેશિયર ધસી પડવાના કારણે ધોળીગંગા નદીમાં પૂર આવ્યું હતું. રૈની ગામમાં ગાંડીતૂર થયેલી ધોળીગંગા પોતાના માર્ગમાં જે પણ આવે તેને તાણીને લઈ જતી હતી. ધોળીગંગા અલકનંદામાં જઈને મળે છે. ત્યારે નદીની નીચે તરફ રૈનીથી દૂર આવેલા વિસ્તારો જેવા કે, નંદપ્રયાગ, લંગાસુ, કર્ણપ્રયાગના લોકોએ પણ એ જ દ્રશ્ય જોયું હતું જેના લાસુવાસીઓ સાક્ષી હતા. માસીર, કાર્પ અને સ્નો ટ્રાઉટ જેવી અસંખ્ય માછલીઓ પાણીમાં ઉપરની તરફ આવી ગઈ હતી. આ માછલીઓ પાણીની અંદર ઊંડાણમાં નહીં કિનારાની નજીક તરી રહી હતી. આ માછલીઓને સૌપ્રથમ જોનારા વ્યક્તિઓ પૈકીના એક અજય પુરોહિતે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, માછલીઓ હંમેશા પાણીના પ્રવાહના મધ્યમાં તરે છે. પરંતુ આ દ્રશ્ય અપવાદરૂપ હતું. તેઓ માત્ર સપાટી પર તરી રહી હતી. લંગાસુ નજીકના ગીરસા ગામમાં વાસ્તવિક દ્રષ્ટિકોણનું સ્થાન વિસ્મયે લીધું હતું. અમારા ગામમાંથી દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ શું ચાલી રહ્યું છે તે જોવા માટે નીકળી હતી. કોઈપણ દિવસે હાથથી માછલી પકડવાનું સંભવ નથી હોતું. પણ એ દિવસે માછલીઓ ખૂબ નજીક હતી અને ઘણી બધી હતી. અમે બધા જ મોટી સંખ્યામાં માછલીઓ પકડીને લાવ્યા હતા, તેમ સ્થાનિક રાધાકૃષ્ણએ કહ્યું. કેટલાક લોકોએ તો ૨ કિલોગ્રામની માછલી પણ પકડી હતી.

જો કે, આ લોકો એક ફેરફારને ના ઓળખી શક્યા એ હતો પાણીનો બદલાયેલો રંગ. સ્વચ્છ લીલું પાણી ગ્રે રંગનું થઈ ગયું હતું. ચમોલીના રૈની, તપોવન સહિતના અન્ય ગામોમાં જ્યાં પૂર આવ્યા હતા ત્યાં પાણીનો રંગ જેવો હતો તેવો જ આ નદીનો થયો હતો.

હવે તમને થશે કે આ બે ઘટનાઓ વચ્ચે કેવી રીતે સંબંધ છે? વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર, પૂર માટે જવાબદાર બાબતના સબસરફેસ વાઈબ્રેશનના લીધે ઉપરની તરફ પાણીમાં રહેલી માછલીઓના સેન્સર ક્ષતિગ્રસ્ત થયા હશે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક કે. શિવકુમારે કહ્યું, માછલીના શરીરમાં બાજુની રેખા હોય છે. આ રેખાની મદદથી જળચર જીવો પાણીમાં થતી હલનચલન અને તેના દબાણના ફેરફારનો અંદાજો લગાવી શકે છે. સહેજ પણ ખલેલ માછલીઓને આઘાતની સ્થિતિમાં મૂકી શકે છે. આ કેસમાં બની શકે કે, પૂરનો પૂર્વવર્તી અવાજ માછલીઓએ પકડી લીધો હોય. ઈલેક્ટ્રિક વાયર અથવા વીજળીની વાહક કોઈ વસ્તુ પાણીમાં પડી હોય અને માછલીઓને ઝટકો લાગ્યો હોય. આ પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ માટે જ અમે વારંવાર કહીએ છીએ કે ડાયનામાઈટ બ્લાસ્ટ નદીની અંદર ક્યારેય ના કરવા જોઈએ.

(7:26 pm IST)