Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સાયકલ ઉપર ઘરે જનારાને બજેટમાં ભૂલાયા : કપિલ સિબ્બલ

બજેટ સત્રમાં રાજ્યસભામાં બે સાંસદો વચ્ચે દલીલો : સુશીલ મોદીનો દાવો બજેટ રોજગાર પેદા કરનારું, ગરીબી દૂર કરનારું, દેશને આત્મનિર્ભર બનાવનારૃં

નવી દિલ્હી, તા. ૧૦ : બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં કપિલ સિબ્બલ અને સુશીલ મોદી વચ્ચે દલીલો થતી જોવા મળી. કોંગ્રેસ સાંસદે બજેટ સ્પીચને લઇને સવાલ ઉઠાવ્યા તો ભાજપના નેતા સુશીલ મોદીએ તેનો જવાબ આપ્યો. બુધવારે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન કપિલ સિબ્બલે લોકડાઉન દરમિયાન બેરોજગારીના સ્તરમાં થયેલા વધારા અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકો પાસે રોજગારી નથી. પરંતુ તમે તો બજેટ સ્પીચમાં બેરોજગારીનો ઉલ્લેખ પણ નથી કર્યો. લોકો ચાલીને, સાઇકલ પર બેસીને દૂર પોતાના ઘરે જવા માટે મજબૂર થયા અને તમે તેમને ભૂલી ગયા?

આના જવાબમાં સુશીલ મોદીએ કહ્યું કે, અમારું બજેટ રોજગાર પેદા કરનારું છે. ગરીબી દૂર કરનારું બજેટ છે. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ છે. જો અર્થતંત્રમાં મૂડ ખર્ચમાં વધારો થશે તો રોજગારની નવી તકો પેદા થશે. આ કહેવું ખોટું છે કે, બજેટમાં રોજગાર માટે કંઇ નથી. ઉલ્લેખનીય છે કે, બજેટને લઇને ભાજપ અને કોંગ્રેસ સામ સામે છે. ભાજપ અને સહયોગી દળ આ બજેટના વખાણ કરી રહ્યાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ બજેટને લઇને સવાલ ઉઠાવી રહી છે.

(9:01 pm IST)