Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દિલ્હીના લાલ કિલ્લા હિંસાના આરોપી ઇકબાલ સિંહના સાત દિવસના પોલીસ રિમાન્ડ થયા મંજૂર

પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

નવી દિલ્હી :પ્રજાસત્તાક પર્વના દિવસે રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના આરોપીઓ એક બાદ એક પોલીસ પકડમાં આવી રહ્યા છે. દિલ્હી ષડયંત્રના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કર્યા બાદ ગઇ કાલે પોલીસે અન્ય એક આરોપી ઇકબાલ સિંહની ધરપકડ કરી હતી.

ઇકબાલ સિંહની ધરપકડ બાદ આજે પાંચ વાગ્યે દિલ્હી પોલીસે તેને તીસ હજારી કોર્ટમાં રજૂ કર્યો હતો. તીસ હજારી કોર્ટમાં આરોપીને રજૂ કરીને પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે કોર્ટ દ્વારા ઇકબાલ સિંહના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટમાં જજ દ્વારા પુછવામાં આવ્યું કે ઇકબાલ સિંહ તરફથી કોણ વકીલ છે? જ્યારે પોલીસે જણાવ્યું કે તેમની તરફથી કોઇ વકીલ નથી ત્યારે કોર્ટે સરકારી વકીલ આપવાનો આદેશ કર્યો.

પોલીસે કોર્ટ સમક્ષ દલીલ કરતા જણાવ્યું કે ઇકબાલ પણ હિંસાના મુખ્ય ષડયંત્રકારોમાંથી એક છે. તે પંજાબનો રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર તેના 100 જેટલા વીડિયો મળ્યા છે. આ તમામ વીડિયોને લઇને તેની પૂછપરછ કરવાની જરુર છે. જે લોકો તેની સાથે આવ્યા હતા, તેઓ કોણ છે અને કોની સાથે જોડાયેલા છે? સાથે તે જાણવું પણ જરુરી છે કે દીપ સિદ્ધુ અને તેની વચ્ચે શું જોડાણ છે?

પોલીસે કોર્ટમાં જણાવ્યું કે 26 જાન્યુઆરીની હિંસા અચાનક થઇ નથી પરંતુ તેના માટે પહેલાથી જ ષડયંત્ર બનાવવામાં આવ્યું હતું. આ સિવાય તે જાણવું પણ જરુરી છે કે તે ક્યા મીડિયા હાઉસ અને રાજનૈતિક દળો સાથે જોડાયેલ છે. કોર્ટે પોલીસની આ દલીલ સાંભળીને સાત દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.

(9:06 pm IST)