Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભારતની એક દવા કંપની પર અમેરિકામાં 364 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો : કંપનીએ આરોપ સ્વીકાર્યા

કંપનીએ જાણકારી છુપાવવા અને રેકોર્ડ હટાવવાનો આરોપ સ્વીકારી અને દંડ ભરવાની વાત માની લીધી

નવી દિલ્હી : ભારતની એક દવા કંપની પર અમેરિકામાં 364 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યુ કે Fresenius Kabi Oncology Limited (FKOL) કંપનીએ જાણકારી છુપાવવા અને રેકોર્ડ હટાવવાનો આરોપ સ્વીકારી લીધો છે. કંપની પર આરોપ લાગ્યો હતો કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની ટીમ જ્યારે તપાસ માટે 2013માં કંપનીના કાર્યાલયમાં ગઇ તો તે પહેલા કેટલાક રેકોર્ડને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા

અમેરિકાના ન્યાય વિભાગનું એમ પણ કહેવુ છે કે કંપનીએ ગુનો સ્વીકારવાની સાથે 364 કરોડ રૂપિયાનો દંડ ભરવાની વાત માની લીધી છે. અમેરિકાના નેવાડાની ફેડરલ કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. FKOL કંપની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને અમેરિકાની ફેડરલ ફૂડ, ડ્રગ એન્ડ કૉસ્મેટિક એક્ટનુ ઉલ્લંઘન કર્યુ છે

એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકન ન્યાય વિભાગનું કહેવુ છે કે અમેરિકન ગ્રાહકો માટે ઉપયોગ થતી દવાની તપાસ દરમિયાન FDAથી જાણકારી છુપાવવામાં આવી અને રેકોર્ડ ડિલેટ કરવામાં આવ્યા હતા, જેને કારણે દર્દીઓ સામે ખતરો ઉભો થયો હતો

કોર્ટના દસ્તાવેજ અનુસાર, FKOL પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં દવાનું ઉત્પાદન કરે છે. કંપની કેન્સરની દવા માટે સામગ્રી તૈયાર કરે છે. અમેરિકાએ કંપની પર આરોપ લગાવ્યો કે મેનેજમેન્ટના અધિકારીઓએ FDA ટીમના પહોચ્યા પહેલા સ્ટાફને કેટલાક રેકોર્ડ હટાવવા અને ડિલેટ કરવા કહ્યુ હતું. આ રેકોર્ડથી એમ ખબર પડે છે કે કંપની FDAના નિયમો વિરૂદ્ધ દવા સામગ્રીનું ઉત્પાદન કરી રહી છે.

અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર, FKOL કંપનીના સ્ટાફે કોમ્પ્યૂટરથી ડેટા ડિલેટ કર્યો હતો, સાથે જ કેટલાક દસ્તાવેજની હાર્ડકોપીને પણ ગાયબ કરી દીધી હતી. અમેરિકન સરકારે એમ પણ કહ્યુ કે FDAના નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પર આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે.

(12:31 am IST)