Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાનો મૃત્યુદર ઘટી ૧.૨૮ ટકા પર પહોંચ્યો : ડો. હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્યમંત્રીની જીઓએમની ૨૪મી બેઠક : છેલ્લા અઠવાડિયામાં સરકારે દરરોજ ૪૩ લાખ લોકોને રસી આપીે, આ સંખ્યા સંભવતઃ વિશ્વમાં સૌથી વધુ હતી

નવી દિલ્હી, તા. ૯ : દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધન દ્વારા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની (જીઓએમ)ની ૨૪મી બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. હર્ષવર્ધનએ કહ્યું કે મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે અને હવે તે ૧.૨૮ ટકા છે. તેમણે કહ્યું કે આજે સવારે ૯ વાગ્યા સુધી દેશમાં લોકોને ૯.૪૩ કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના રસીના ૩૬,૯૧,૫૧૧ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા અઠવાડિયામાં અમે દરરોજ ૪૩ લાખ લોકોને કોરોના રસી લાગુ કરી રહ્યા છીએ. આ સંખ્યા સંભવતઃ વિશ્વભરમાં સૌથી વધુ હતી.

ડો.હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે અમારી છેલ્લી બેઠક સમયે દેશભરમાં ૧,૫૩,૮૪૭ લોકો મૃત્યુ પામ્યા હતા. આજે તે આંકડો ૧૬૭૬૪૨ પર પહોંચ્યો છે. તે દિવસે મોતનો આંકડો ૧૨૩ હતો પરંતુ આજે તે ૭૮૦ થયો છે. તેઓએ જણાવ્યું કે હાલમાં ૦.૪૬% એક્ટિવ સીરિયસ પેશેન્ટ વેન્ટિલેટર પર છે, ૨.૩૧% આઇસીયુમાં છે અને ૪.૫૧% ઓક્સિજન સપોર્ટેડ બેડ પર છે.

અમે અત્યાર સુધીમાં ૮૪ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ એક્સપોર્ટ કર્યા છે. જ્યારે ૮૯ લાખથી વધુ હેલ્થકેયર વર્કરને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને ૫૪ લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીનો બીજો આપવામાં આવ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧,૩૧,૯૬૮ નવા કેસ નોંધાયા છે. આ કેસોના નોંધાયા બાદ પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૩૦,૬૦,૫૪૨ થઈ ગઈ. આજે ૭૮૦ દર્દીઓના મોત થતાં કુલ સંખ્યા વધીને ૧,૬૭,૬૪૨ થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૯,૭૯,૬૦૮ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા ૧,૧૯,૧૩,૨૯૨ છે. દેશમાં કોવિડ હોસ્પિટલોની અછત અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ છે. કેસ ઓછો થયા બાદ કેટલીક હોસ્પિટલોને નોન-કોવિડમાં પરિવર્તિત કરવામાં આવી હતી, પરંતુ તેમને ફરીથી કાર્યરત કરવામાં આવી રહી છે. અમારી પાસે હાલમાં ૧૫૪૪૦ કોવિડ હોસ્પિટલો છે, જેમાં ૧૮.૫ લાખથી વધુ બેડ છે. આ સાથે જ ૧૨૬૭૩ કોવિડ સેન્ટર છે.

(12:00 am IST)