Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નાગપુર : કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા ૩ના મોત

આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુઃખ વ્યકત કર્યું

નાગપુર,તા.૧૦:  કોરોનાની માર સહન કરી રહેલા નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં ૩ લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યકત કર્યું છે.

નાગપુરના વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. અકસ્માતમાં ૧ મહિલા સહિત ૩ લોકોના મોત થયા છે.

ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત પર જણાવ્યું કે લગભગ ૨૭ લોકોને અહીંથી નિકાળી બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે કંઇ કહી ન શકાય.

સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના મેડિકલ સુપરિટેંડેંટ ડોકટર અવિનાશ ગવાંડેએ કહ્યું કે ગર્વમેંટ મેડિકલ કોલેજમાં ૩ લાશ લાવવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આગ એસીમાંથી નિકળતી જોવા મળી હતી.

નાગપુર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટ પર દુઃખ વ્યકત કર્યું છે. તેમણે પોતાના ટ્વીટ દ્વારા અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારને શોક સાંત્વના આપી હતી. સાથે જ અકસ્માતમાં ઘાયલ લોકો જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી.

ગૃહ મંત્રી અમિત શાહ અને કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ ટ્વીટ કરી આ અકસ્માત પર દુખ વ્યકત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ દુખની ઘડીમાં મૃતકોના પરિજનો પ્રત્યે હું ઉંડી સંવેદના વ્યકત કરું છું.

(10:11 am IST)