Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

૧૮ વર્ષથી ઉપરની ઉંમરની વ્યકિતને પોતાની મરજીથી ધર્મ પસંદગીનો અધિકાર : સુપ્રીમ

કાળાજાદુ -ધર્મ પરિવર્તન ઉપર નિયંત્રણ માટે નિર્દેશ આપવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હી,તા.૧૦: કાળા જાદુ અને ધર્મપરિવર્તન પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર અને રાજય સરકારોને નિર્દેશ આપવાની માગ કરતી અરજી નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને તેમનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે. જસ્ટિસ આર એફ નરિમાન, જસ્ટિસ બી આર ગવઇ અને જસ્ટિસ ઋષિકેશ રોયે અરજકર્તા અશ્વની ઉપાધ્યાયની આકરી ટીકા કરતાં તેમના વતી હાજર થયેલા સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણનને જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૩૨ અંતર્ગત આ કેવા પ્રકારની રિટ પિટિશન છે? અમે અરજકર્તા પર આકરો દંડ લાદીશું. તમે તમારા જોખમે દલીલ કરી શકો છો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ વયની વ્યકિતને ધર્મ પસંદ કરવાની પરવાનગી શા માટે ન આપી શકાય તે અંગે અમને કોઇ કારણ દેખાતું નથી. તેના કારણે જ બંધારણમાં ધર્મપાલનનો શબ્દ છે. સુપ્રીમનાં આકરાં વલણ પછી ઉપાધ્યાયના વકીલે અરજી પાછી ખેંચી હતી.

અરજકર્તાએ સુપ્રીમ કોર્ટને અરજીમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારો કાળા જાદુ, અંધશ્રદ્ઘા અને લાલચ અથવા બળજબરીથી કરાવાતા ધર્મપરિવર્તનના દૂષણને ડામવામાં નિષ્ફળ રહી છે. આ દૂષણ અટકાવવા એ બંધારણના આર્ટિકલ ૫૧એ અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકારની ફરજોમાં આવે છે. સરકારે કાયદો ઘડીને ૩ થી ૧૦ વર્ષની કેદની જોગવાઇ કરવી જોઇએ.

(10:14 am IST)