Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મીટીંગ કરશે સોનિયા ગાંધી

કોરોનાની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા

નવી દિલ્હી તા. ૧૦ : કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી શનિવારે એટલે કે આજે કોરોનાની પરિસ્થિતિ બાબતે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે એક વર્ચ્યુઅલ મીટીંગ કરશે. આ મીટીંગમાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. મીટીંગમાં, રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતાગીરી પ્રજાની મદદ માટે સૂચનો પણ આપશે.

જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીને લખાયેલ પત્રના એક દિવસ પછી આ મીટીંગ થઇ રહી છે. જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ કોરોના રસીની નિકાસ ઉપર તાત્કાલિક પ્રતિબંધની માંગણી કરી હતી. વડાપ્રધાનની ટીકા કરતા રાહુલ ગાંધીએ પૂછયું હતું કે, રસીની નિકાસ શું પ્રચાર વધારવાનો એક પ્રયાસ હતો.

૧૧ થી ૧૪ એપ્રિલ સુધી રસી ઉત્સવ આયોજીત કરવા માટે પીએમ મોદીએ મુખ્યપ્રધાનોને કરેલ અપીલનો ઉલ્લેખ કરતા રાહુલે ટ્વીટ કર્યું હતું કે કોરોના કેસમાં ઉછાળા દરમિયાન રસીની અછત એક અત્યંત ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે, રસીકરણ બાબતે ભારતને પહેલો લાભ મળ્યો છે અને તે છતાં આપણે કાચબાગતિએ આગળ વધી રહ્યા છીએ.

(11:41 am IST)