Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચૂંટણી પંચની નોટિસોથી ડરતી નથી, તેમનાથી થાય તે કરી લે. હું બોલતી રહીશ: મમતાનો હુંકાર

બંગાળમાં તૈનાત સીઆરપીએફ જવાનો ભાજપ માટે કામ કરતા હોવાનું કહેવા પર મમતાને ચૂંટણી પંચે નોટિસ ફટકારી જવાબ માગ્યો

કોલકતા : પશ્ચિમ બંગાળમાં સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવા તદ્ન પાયાહિન અને ઉશ્કેરણીજનક નિવેદન બદલ ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને વધુ એક નોટિસ ફટકારી છે.

મમતાએ મુસ્લિમોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા હાકલ કરી તે મુદ્દે ભાજપની ફરિયાદ પર પણ ચૂંટણી પંચે મમતાને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચની નોટિસ છતાં મમતાએ જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચની નોટિસોથી ડરતી નથી અને તેમનાથી થાય તે કરી લે. હું બોલતી રહીશ કે સીઆરપીએફના જવાનો ભાજપ માટે કામ કરે છે.

ચૂંટણી પંચની નોટિસને ટાંકીને મમતાએ પણ કહ્યું હતું કે આ નોટિસને લઇને મને કોઇ જ ચિંતા નથી, મે જે પણ કઇ કહ્યું તે સાચુ છે અને તેને લઇને મક્કમ છું, મારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. એટલું જ નહીં મમતા બેનરજીઓ એમ પણ કહ્યું કે ચૂંટણી પંચ પણ ભાજપ માટે કામ કરે છે. મતદાનના દિવસે વડાપ્રધાન મોદી ચૂંટણી સભાઓ કરે છે ત્યારે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સીઆરપીએફ જવાનો તૈનાત છે તેને લઇને કેટલાક નિવેદન આપ્યા હતા. મમતાએ દાવો કર્યો હતો કે બંગાળમાં તૈનાત સીઆરપીએફ જવાનો ભાજપ માટે કામ કરી રહ્યા છે. આ મામલે હવે મમતાને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે જવાબ માગ્યો છે.

અગાઉ ભાજપની ફરિયાદના આધારે ચૂંટણી પંચે મમતાને એક નોટિસ પાઠવી હતી જેમાં તેમના પર લઘુમતીઓને ભાજપને મત ન આપવાની અપીલ કરી આચાર સંહિતાનો ભંગ કર્યાનો દાવો કરાયો હતો. જ્યારે હવે સુરક્ષા જવાનો અંગે મમતાએ જે નિવેદનો રેલીઓમાં આપ્યા હતા તેને લઇને પણ નોટિસ પાઠવી છે. જોકે હવે ફરી એક નોટિસ મમતાને પાઠવીને જવાબ માગવામાં આવ્યો છે.

(11:49 am IST)