Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ખુદ કોવિદ -19 વેક્સીન લેવા હોસ્પિટલે જતા હોય તો રાજ્યના નેતાઓ શા માટે ઘેરબેઠા વેક્સીન લે છે ? : કાયદો બધા માટે સમાન છે : મહારાષ્ટ્રના રાજકીય આગેવાનો સામે બોમ્બે હાઇકોર્ટ ખફા

મુંબઈ : કોવિદ -19 વેક્સીન માટે હજુ ડોર ટુ ડોર કમપેન ચાલુ થયા પહેલા મહારાષ્ટ્રના રાજકીય આગેવાનોએ ઘેરબેઠા વેક્સીન લેવાનું શરૂ કરતા બોમ્બે હાઇકોર્ટે તેઓને ઠપકો આપતા જણાવ્યું છે કે કાયદો બધા માટે સમાન છે.નામદાર કોર્ટે વિશેષમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ખુદ કોવિદ -19 વેક્સીન લેવા હોસ્પિટલે જતા હોય તો રાજ્યના નેતાઓ શા માટે ઘેરબેઠા વેક્સીન લે છે ?

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પૂછ્યું હતું કે જ્યારે અન્ય લોકોને આ સુવિધા ન હોય ત્યારે નેતાઓને  ઘરે કયા આધારે રસી અપાય છે. રાજકીય નેતાઓ ઘરે બેઠા વેક્સીન લઇ રહ્યાના વધુ  કિસ્સા સામે આવશે તો યોગ્ય પગલા લેવામાં આવશે.તેવી ચીમકી બોમ્બે હાઇકોર્ટે આપી હતી.

ઉલ્લેખનીય છે કે  મુંબઇ સ્થિત બે વકીલો દ્વારા વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને  પથારીવશ એવા લોકો માટે ડોર-ટુ-ડોર રસી માંગવાની અરજીની સુનાવણી કરી હતી.તે દરમિયાન રાજકીય નેતાઓ ઘેર બેઠા વેક્સીન લઇ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.તેવું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)