Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરશે : એક લાખથી વધુ રોજગારી ઉભી થશે.

વિશ્વમાં માત્ર બે જ દેશો પાસે પાંચમી પેઢીના વિમાન : સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરનારો દુનિયાનો આઠમો દેશ બનશે

દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી છે અને દાવો કર્યો છે કે, આ વિમાનનું ફુલ સ્કેલ પ્રોડક્શન શરૂ થઈ જશે, તો તેનાથી એક લાખથી વધુ લોકો માટે રોજગારી ઉભી થશે.

 દક્ષિણ કોરિયાની ડિફેન્સ એક્વિજિશન પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે પરીક્ષણ અને વિકાસ માટે આ વર્ષના અંત સુધીમાં ત્રણ વિમાનો તૈયાર થવાની આશા છે. આ ઉપરાંત વધુ ત્રણ વિમાન વર્ષ 2022ના મધ્ય સુધી તૈયાર થઈ જશે. આ વિમાન 65 ટકા દક્ષિણ કોરિયાઈ છે.

બાકીનો સામાન અલગ-અલગ દેશોમાંથી મંગાવીને વિમાનમાં એસેમ્બલ કરાશે. તેમ છતાં તેને દક્ષિણ કોરિયાના વિમાનન ઉદ્યોગ માટે માઈલ સ્ટોન ગણાવાયો છે.

વિશ્વમાં માત્ર બે જ દેશો પાસે પાંચમી પેઢીના લડાકુ વિમાન છે. નાટોના એર પાવર કંપિટેંસ સેન્ટર અનુસાર તેમાં માત્ર અમેરિકા અને ચીન. આ બે જ દેશ એવા છે, જેણે પાંચમી પેઢીના લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ વિમાન સ્ટીલ્થ ફીચર, રડાર જૈમિક ટેકનીક અને ઉચ્ચ એવિયોનિક્સથી સજ્જ છે. આ વિમાન પાયલોટો પોતાના ઈંટ્રીગ્રેટેડ ઓનબોર્ડ અને રિમોટ ડેટાથી ઓપરેશન દરમિયાન રિયલ ટાઈમ સ્થિતિની જાણકારી આપે છે. દક્ષિણ કોરિયાએ પોણ પોતાના આ સુપરસોનિક વિમાનને 4.5 જનરેશન ગણાવી છે.

દક્ષિણ કોરિયાના એક સરકારી નિવેદનમાં દાવો કરાયો છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં તેનુ પરીક્ષણ પૂર્ણ કરી લેશે. અને આમ થશે તો દક્ષિણ કોરિયા દુનિયાનો આઠમો દેશ બની જશે જેણે એક ઉન્નત સુપરસોનિક ફાઈટર વિકસિત કર્યું હોય. આ પહેલા અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ફ્રાંસ, સ્વીડન, અને યુરોપિય દેશમાં યુનાઈટેડ કિંગડમ, જર્મની, ઈટલી અને સ્પેને સાથે મળીને પહેલા જ સુપરસોનિક લડાકુ વિમાન બનાવ્યા છે.

(11:41 pm IST)