Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઇન્ડોનેશિયામાં 6ની તીવ્રતાનો ભૂકંપ :એક મહિલાનું મોત : ભૂસ્ખલન થવાનું જોખમ કેટલાક મકાનોને નુકશાન

ભુકંપનું કેન્દ્ર ઇસ્ટ જાવામાં મલંગ શહેરથી આશરે 45 કિલોમીટર દુર દક્ષિણપુર્વમાં જમીનની 82 કિલોમીટરની ઊઁડાઇ પર : સુનામીની શકયતા નહીં

ઇન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં મોટા ભૂકંપના ઝટકા અનુભવાયા છે. પરંતુ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. સાથે જ આ ભૂકંપમાં એક મહિલાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યું હતું કે, આ ભુકંપનું કેન્દ્ર ઇસ્ટ જાવામાં મલંગ શહેરથી આશરે 45 કિલોમીટર દુર દક્ષિણપુર્વમાં જમીનની 82 કિલોમીટરની ઊઁડાઇ પર અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે.

ઇન્ડોનેશિયાના ધરતીકંપ અને સુનામી સેન્ટરના વડા રહમત ત્રિયોનોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર સ્થિત હતું, પરંતુ ભૂકંપના આંચકામાં સુનામી પેદા કરવાની સંભાવના નથી.

તેમણે લોકોને વિનંતી કરી કે જ્યાં ભૂસ્ખલન થવાનું જોખમ હોય ત્યાં માટી અથવા ખડકોના પહાડો હોય તેનાથી દૂર રહેવું. પ્રાંતના કેટલાક ભાગોમાં, લોકોને થોડીક સેકન્ડ માટે મધ્યમસ્તરના આંચકા અનુભવાયા હતા. આપત્તિ એજન્સીએ પડોશી શહેર મલંગના બ્લેટર વિસ્તારમાં એક હોસ્પિટલની ક્ષતિગ્રસ્ત છતની તસવીરો જાહેર કરી હતી, જ્યારે કેટલાક મકાનોના છતને નુકસાન થયાના પણ અહેવાલ સામે આવ્યા છે.

ઇન્ડોનેશિયામાં વારંવાર ભુકંપના આંચકા અનુભવાય છે અને જ્વાળામુખી ફાટવાના બનાવો પણ નોંધાય છે. 2018માં અહિં 7.5ની તિવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો અને તેને પગલે સુનામી આવતાં પાલુ અને સુલાવેસી ટાપુ પર રહેતાં 4300 કરતાં વધારે લોકોના મોત થયા હતાં અથવા ખોવાઇ ગયા હતાં.

(12:21 am IST)