Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની ફ્રી સારવાર થશે

રાજ્સ્થાન સરકારનું નાગરિકોને રાહત આપતું પગલું : મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ તમામ ખાનગી હોસ્પિટલોમાં યોજના સાથે જોડાયેલા લોકોને લાભ

નવી દિલ્હી, તા. ૯ : ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાને હવે રાજ્યની મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની મફત સારવારની જાહેરાત કરી છે.આ યોજનાનો લાભ વીમા યોજના સાથે જોડાયેલા તમામ લોકોને મળશે.

સરકારે તમામ જિલ્લા કલેકટરને નિર્દેશ આપ્યા છે કે, વીમા યોજના જેમની પાસે છે તેવા કોરોનાના દર્દીઓની ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર થઈ રહી છે કે નહી તેની ચકાસણી પણ કરવી.જો કોઈ હોસ્પિટલ સારવારનો ઈનકાર કરે તો તેની સામે આકરી કાર્યવાહી પણ કરવી.

સરકારે પણ કહ્યુ છે કે, આ આદેશને તમામ હોસ્પિટલોએ માનવો જ પડશે.ઉલ્લેખનીય છે કે, ચિરંજીવી યોજનાની શરુઆત ૧ મેથી કરવામાં આવી છે અને તેમાં ૨૨ લાખથી વધારે પરિવારો જોડાયેલા છે.યોજના માટે ૩૫૦૦ કરોડ રુપિયાનુ બજેટ ફાળવવામાં આવ્યુ છે.જેમાં દરેક પરિવારને પાંચ લાખ રુપિયાનુ કેશલેસ વીમા કવર આપવામાં આવે છે.સરકારે તેમાં જોડાવા માટે ૩૧ મે સુધીનો સમય આપ્યો છે.

(12:00 am IST)