Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દિલ્હીમાં એક મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

કોરોનાથી સૌથી પ્રભાવિત દિલ્હીમાં રાહતના સમાચાર : દિલ્હીમાં નવા ૧૩૩૩૬ કેસ સામે આવ્યા અને સંક્રમણ દર ૨૧.૬૭ ટકા થયો : ૨૪ કલાકમાં ૨૭૩ દર્દીના મોત

નવી દિલ્હી, તા. ૯ : દિલ્હીમાં કોરોના વાયરસને કારણે રવિવારે ૨૭૩ લોકોના મૃત્યુ થયા, જે ૨૧ એપ્રિલ બાદ સૌથી ઓછા છે. તો નવા ૧૩૩૩૬ કેસ સામે આવ્યા અને સંક્રમણ દર ૨૧.૬૭ ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, ૧૨ એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ  છે અને તેનું કારણ શનિવારે ઓછા (૬૧,૫૫૨) ઓછા ટેસ્ટિંગ કરવા છે. સરકારી આંકડા પ્રમાણે સંક્રમણ દર ૧૬ એપ્રિલ બાદ સૌથી ઓછો છે, જ્યારે તે ૧૯.૭ ટકા હતો.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ૧૪૭૩૮ રહી. દિલ્હી સરકાર તરફથી જારી હેલ્થ બુલેટિન પ્રમાણે રાજધાનીની હોસ્પિટલોમાં ૨૨૫૪૫ બેડમાં ૨૬૩૩ બેડ હજુ ખાલી છે. તો ૧૯૯૧૨ બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય ડેડિકેટેડ કોવિડ કેરમાં કુલ ઉપલબ્ધ ૫૫૨૫ બેડમાંથી ૪૮૯૯ બેડ ખાલી છે. બીજીતરફ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ ૨૦૬માંથી ૧૧૧ બેડ ખાલી છે. રાજધાનીમાં હોમ આઇસોલેશનમાં રહેતા લોકોની સંખ્યા ૫૨૨૬૩ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં લાગૂ લૉકડાઉનને ૧૭ મે સુધી એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું. આ દરમિયાન મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો થયો છે પરંતુ મહામારીની બીજી લહેરમાં થોડી પણ છૂટછાટ અત્યાર સુધી હાસિલ કરેલી સફળતાને સમાપ્ત કરી દેશે.

તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારાને જોતા ૨૦ એપ્રિલે લૉકડાઉન લાગૂ કરવા મજબૂર થવું પડ્યું. પરંતુ કેસમાં ઘટાડો થયો છે અને સંક્રમણ દર છ એપ્રિલે સૌથી વધુ ૩૫ ટકા હતો હવે ૨૩ ટકા રહી ગયો છે. લૉકડાઉન સોમવારે સવારે પાંચ કલાકે સમાપ્ત થવાનું હતું પરંતુ હવે ૧૭ મેની સવાર સુધી વધારી દેવામાં આવ્યું છે.

(12:00 am IST)