Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાએ લીધો વધુ એક અભિનેતાનો ભોગ : ૩૫ વર્ષીય રાહુલ વોહરાનું નિધન

યુ ટ્યૂબરે થોડાક દિવસો પહેલા જ સોશ્યલ મીડિયામાં સરકાર પાસે મદદ માંગી હતી

મુંબઇ,તા. ૧૦: કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. બીજી લહેરમાં ઘણા સેલેબ્ઝ આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. હવે આ વાયરસે વધુ એક અભિનેતાનો ભોગ લીધો છે. ૩૫ વર્ષીય અભિનેતા અને યુ ટ્યૂબર રાહુલ વોહરાનું કોરોનાને કારણે નિધન થયું છે. મોતના એક દિવસ પહેલાં તે સતત સરકાર પાસેથી મદદ માગતો હતો. રાહુલના કોમેડી તથા મોટિવેશનલ વીડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાયરલ થતા હતા.

શનિવાર આઠ મેના રોજ રાહુલે સોશ્યલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટેગ કરીને પોતાની લાચારી વ્યકત કરતાં કહ્યું હતું કે, જો તેને સારી રીતે સારવાર મળે તો તે બચી શકે છે. રાહુલે એમ પણ કહ્યું હતું  કે, તે હવે હિંમત હારી ચૂકયો છે. તે જલ્દીથી બીજો જન્મ લેશે અને સારું કામ કરશે.

ગઈકાલે એટલે કે શનિવારે રાહુલને દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી દ્વારકા સ્થિત આયુષ્માન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. એટલું જ નહીં ૮ મેના રોજ અનેક સોશ્યલ મીડિયા પેજમાં રાહુલના અવસાનની અફવા વાયરલ થઈ હતી. આ તમામ વાતોનું ખંડન કરીને રાહુલની પત્ની જયોતિ તિવારીએ કહ્યું હતું કે, તેના પતિ અંગે ખોટી વાતો ચાલી રહી છે. તે ટૂંક સમયમાં ઠીક થઈને ઘરે પરત આવશે.

આ પહેલા રાહુલે ૪ મેના રોજ સોશ્યલ મીડિયામાં કોવિડ પોઝિટિવ હોવાની વાત શેર કરી હતી. રાહુલે કહ્યું હતું તે ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે અને કોઈ રિકવરી થઈ રહી નથી. તેનું ઓકિસજન લેવલ સતત ઘટી રહ્યું છે અને કોઈ જોનાર નથી. તેણે મજબૂર થઈને સોશ્યલ મીડિયામાં મદદની વિનંતી કરી હતી. કારણ કે તેના ઘરના લોકો પરિસ્થિતિને સંભાળી શકે તેમ નથી.

રાહુલ વોહરા ઉત્ત્।રાખંડના ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય હતો. તે નેટફ્લિકસની સિરીઝ 'અનફ્રીડમ'માં જોવા મળ્યો હતો. રાહુલે લેખિકા જયોતિ તિવારી સાથે લગ્ન કર્યા હતા.

(9:50 am IST)