Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજસ્થાનમાં કોરોના દર્દીના મૃતદેહની દફનવિધિ બાદ ૨૧ લોકોનાં મોત

જપયુર,તા૧૦: રાજસ્થાનના સિકર જિલ્લામાં એક ગામમાં કોવિડ પેશન્ટના મૃતદેહની દફનવિધિ કર્યા બાદ લગભગ ૨૧ જણાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોવિડ પેશન્ટના મૃતદેહને કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વિના ગુજરાતથી લાવવામાં આવ્યો હતો.

આ ઘટના રાજસ્થાનના સિકર જિલ્લાના ખીરવા ગામમાં બની હતી. ખીરવા ગામ રાજસ્થાન કોંગ્રેસના ચીફ અને રાજસ્થાનના શિક્ષણ પ્રધાન ગોવનિંદ સિંહ દોતાસારાનું વિધાનસભા મતદાર ક્ષેત્ર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતદેહને ગુજરાતથી લાવવામાં આવ્યો હતો અને  મૃતદેહની અંતિમવિધિ કર્યા બાદ થોડા જ દિવસમાં તેના સંપર્કમાં આવેલા લગભગ ૨૧ જણાએ જીવ ગુમાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યાનુસાર કોવિડ પીડિતના ચેપી વ્યકિતના મૃતદેહને ૨૧ એપ્રિલે ગામમાં લાવવામાં આવ્યો હતો. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને મૃતદેહને પ્લાસ્ટિકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અંતિમ ક્રિયા દરમ્યાન લગભગ ૧૦૦ લોકોએ હાજરી આપી હતી તથા અનેક લોકોએ મૃતદેહને સ્પર્શ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે લક્ષ્મણગૃહ સબ-ડિવિઝનલ અધિકારી કુલરાજ મીનાએ કહ્યું હતું કે મરનાર ૨૧માંથી ત્રણથી ચાર જણાને કોવિડ-૧૯નાં સંક્રમણ લાગ્યું હતું.

આ ઘટના બાદ એક મેડિકલ ટીમને ગામમાં મોકલવામાં આવી હતી તેમ જ ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. કોરોના સક્રમિત લોકોની સારવાર માટે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

(9:48 am IST)