Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

'શ્રધ્ધા અપાર છે' શિર્ષક હેઠળ ત્રણ મહાનુભાવોની સાચી, સારી, સકારાત્મક, પ્રેરણાત્મક વાતો

કોરોનાનો સમય હવે લાંબો નહિ ચાલે, શ્રધ્ધા રાખો-વિશ્વાસ રાખોઃ જે કામ કરે છે તેના તમારાથી વખાણ ન થાય તો ચાલશે, ટીકા તો ન જ કરોઃ વેકસીન અચુક લો

રોદણાથી પર થવાની રીત શીખી જાય છે, જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે, સમય પણ નીતનવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે, આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે, વિષ વિષમ સંજોગનું જે ભોળપણથી પી જશે, આખરે શંકર થવાની રીત શીખી જાય છે : 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના ડિજીટલ પ્લેટફોર્મ પર સંચાલક વિરલ રાચ્છ સાથેની ગોષ્ઠીમાં માં ડો. રઇશ મણિયાર, ડો. ફિરદોૈસ દેખૈયા અને અભિનેતા જીત વિઠ્ઠલાણીએ હાલના કોરોના કાળમાં સતત બીજાને મદદરૂપ થવાના, ખુશ રહેવાના, ખોટો ડર નહિ રાખવાના આપ્યા સંદેશાઓ : મારી બિમારીમાંથી મેં શીખ્યું કે-એ સ્વમાની હોય, તેને દાદ ન આપો તો તે ચાલી જાય...કોરોના એ ઇગોઇસ્ટીક છોકરી છે, તેને દાદ ન આપો તો એ પણ ચાલી જાયઃ જય વિઠ્ઠલાણી : હૈયાને હામ અને જિંદગીને જોમ આપતી નાનકડી મહેફીલમાં બધાનું સ્વાગત છે... : પરિસ્થિતિ કપરી છે, કોરોના ભુજંગાસન પર ડોલે છે, ધંધા રોજગાર શિર્ષાસનમાં ઝુલે છે, મંદી અને માંદગી સિંહાશનમાં મહાલે છે, આખી દુનિયા આખો દેશ આશ્વાસન પર હાલે છે ત્યારે એક સરસ ઉપક્રમ 'અકિલા'એ વિચાર્યો એ માટે 'અકિલા'ને અભિનંદનઃ ડો. રઇશ મણિયાર : પર્વતોમાં ય રસ્તા પડી જાય છે, મૃગજળોને તરી નાવડી જાય છે, અને હાંફતા હાંફતા હાંફતા એક દિ,શ્વાસ લેતા પછી આવડી જાય છેઃ ડો. રઇશ મણિયાર : 'અકિલા' સોૈરાષ્ટ્રનું ઘરેણું છે, એક એવું અખબાર જે હમેંશા લોકો સુધી નવી વાત અખબારના માધ્યમથી અને ડિજીટલ માધ્યમથી પહોંચાડે છેઃ વિરલ રાચ્છ કવિ-લેખક : ડો. રઇશ મણિયાર, સર્જક-સર્જન : ડો. ફિરદોૈસ દેખૈયા અને અભિનેતા : જીત વિઠ્ઠલાણીની રસપ્રદ ગોષ્ઠી દોસ્તી છે કયાં કોઇ વહેવાર છે, વ્હાલનો હર આંખમાં ઉફાણ છે, એકધારી જિંદગીની ભીડમાં, તું મળે છે એ દિવસ તહેવાર છે : જયએ રજૂ કરી ડો. મનોજ જોષીની રચના : ખોટેખોટી ધકધક થાતી ઝંખનાઓને સુવડાવી દો, રસ્તાઓને સુવડાવી દો, સાચી આપો માહિતી બસ, મીઠુ મરચું ન ભભરાવો, અફવાને સુવડાવી દો

શ્રધ્ધા અપાર છે...આ વાતને શ્રધ્ધાપુર્વક અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રીના પ્લેટફોર્મથી ત્રણ મહાનુભાવો ડો. રઇશ મણિયાર, ડો. ફિરદોૈસ દેખૈયા અને અભિનેતા જીત વિઠ્ઠલાણીએ રજૂ કરી હતી. જેનું સંચાલન વિરલ રાચ્છે કર્યુ હતું

રાજકોટ તા. ૧૦: કોરોના કાળમાં લોકો સતત મુંજાયેલા છે, હાલની વરવી પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાત સહિત આખુ વિશ્વ લડી રહ્યું છે, ઝઝૂમી રહ્યું છે ત્યારે આવી હાલતમાં લોકોને મહાનુભાવોના અંગત અનુભવોમાંથી સકારાત્મક પ્રેરણા મળે તે માટેના પ્રયાસો 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ટીમ ગુજરાત્રી'એ હાથ ધર્યા છે.   દિલમાં અજવાસ છે...શિર્ષક હેઠળ જાણીતા કલાકારોની ગોષ્ઠી થયા પછી વધુ એક આવો કાર્યક્રમ 'શ્રધ્ધા અપાર છે' રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખુબ જાણીતા સંચાલક વિરલ રાચ્છ સાથે બે ડોકટર-કવિ-લેખક અને એક અભિનેતાએ જોડાઇને ગુરૂવારે અકિલાન્યુઝ ફેસબૂક પેજ ઉપર ચાહકો-ભાવકો-શ્રોતાઓને સમજ આપી હતી અને સાથે મૂડ ફ્રેશ થઇ જાય તેવી ગઝલોથી રસતરબોળ પણ કર્યા હતાં. જેના પરિચયની લગભગ કોઇ ગુજરાતીને જરૂર ન હોય તેવા ડો. રઇશ મણિયાર, ભાવનગરના કવિ-સર્જક-સંગીતકાર-ગાયક અને સર ટી હોસ્પિટલના સર્જન ફ્રન્ટલાઇન વોરીયર ડો. ફિરદોૈસ દેખૈયા તથા જામનગરના રંગભૂમિના ખુબ જાણીતા અભિનેતા જય વિઠ્ઠલાણીએ અંગત અનુભવોને આધારે લોકોને પ્રેરણા આપતાં જે કંઇ કહ્યું તેનો સંયુકત સાર એવો હતો કે-હાલમાં કોરોનાને કારણે જે સમય છે એનું આયુષ્ય બહુ લાંબુ નથી, બહુ ઝડપથી આપણે આમાંથી બહાર નીકળશું, શ્રધ્ધા રાખો-વિશ્વાસ રાખો, તમે કોઇ માટે કંઇ કરી ન શકો તો કંઇ નહિ પરંતુ ખોટી અફવા ન ફેલાવો, નેગેટિવીટી ન ફેલાવો. જે કામ કરે છે તેની પ્રસંશા ન કરી શકો તો કંઇ નહિ, પણ સાચુ જાણ્યા વગર તેઓની ટીકા તો ન જ કરો. કોરોના સામેની લડતમાં વેકસીન એ સોએ સો ટકા સુરક્ષાનું કવચ બને છે તેથી વેકસીન સોૈએ અચુક લેવી જોઇએ. એ વાત પણ આ ત્રણેયએ કરી છે. 

શ્રધ્ધા અપાર છે...કાર્યક્રમની શરૂઆત કરતાં સંચાલક વિરલ રાચ્છે જણાવ્યું હતું કે-'અકિલા સોૈરાષ્ટ્રનું ઘરેણું છે. એક એવું અખબાર જે હમેંશા લોકો સુધી નવી વાત અખબારના માધ્યમથી અને ડિજીટલ માધ્યમથી પહોંચાડે છે, જ્યાં પણ ગુજરાતી વસે છે એ તમામ સ્થળે, વિશ્વભરમાંઅકિલા ડિજીટલ પહોંચે છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, હિરેન સુબા, મિલીન્દ ગઢવી વતી હું વિરલ રાચ્છ સોૈને આવકારું છું. આજના કાર્યક્રમમાં જે ત્રણ મહાનુભાવો સામેલ થયા છે તેઓ અલગ અલગ કલાના ક્ષેત્રમાં જબરજસ્ત છે અને માહેર નામો છે. ડો. રઇશ મણિયારનો પરિચય કોઇ ગુજરાતીને આપવાનો ન હોય. જ્યાં ગુજરાતી વસે છે ત્યાં રઇશભાઇ તેમના અવાજ, સંચાલન, ગીતો, તેમની લખેલી ફિલ્મો, વાર્તાઓથી પહોંચે છે. વ્યવસાયે તબિબી પણ હવે સંપુર્ણ કવિ-રાઇટર તરીકે સોૈ તેમને જોઇ રહ્યા છે. તેઓ શબ્દ સાથે કામ પાર પાડે છે. તેઓ હાલના સમયમાં લોકોએ શું કરવું શું ન કરવું તેની વાત કરશે. ચાહકોના સવાલોના જવાબ આપશે.

બીજા મહાનુભાવ સંગીત સાથે કામ પાડનાર સર્જન છે અને સર્જક પણ છે. કવિ-સંગીતકાર ફિરદોૈસ દેખૈયા ફ્રન્ટલાઇન વોરીયર છે અનેભાવનગરની સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. કોવિડના સોૈથી વધુ કેસો તેઓ સંભાળી રહ્યા છે. કોવિડ કાળમાં ડોકટરની ડ્યુટી પણ તેઓ ચોવીસ કલાક બજાવે છે. તેઓ પણ પોતાના અનુભવોને આધારે લોકોને પ્રેરણાત્મક વાતો કહેશે.

ત્રીજા ફૂટડા નવયુવાન  જામનગરના રંગભૂમિના ખુબ મોટા અભિનેતા જય વિઠ્ઠલાણી છે. તેમના શરીરમાં બીજા રોગો પણ છે, આ વચ્ચે તેઓ કોરોનાથી સંક્રમીત થયા હતાં. કઇ રીતે તેમણે કોરોનાનો સામનો કર્યો, કઇ રીતે તેઓ બહાર આવ્યા. બીજા લોકો માટે તેમનો શું સંદેશો છે? એ બધી વાતો કરશે. આ ત્રણેય મહાનુભાવોને  'અકિલા'ના ભાવકો-ચાહકો માણી-જાણી શકશે.

વિરલ રાચ્છે આગળ કહ્યું કે-કોરોના કાળમાં સોૈથી વધુ સોશિયલ મિડીયામાં વંચાતુ હોય અને જેની પોસ્ટ વાયરલ થતી હોય તે ભાવનગરના કવિ-લેખક અને ફાર્માસીસ્ટ હિમલ પંડ્યા છે. તેમની એક ગઝલ  'છો રહ્યો અંધાર કરીએ વાત અજવાળા વિશે, પીંજરૂ ભુલીને 

મેં પણ જાતે સારવાર થોડી લઇ લીધી, શાંતિનું શીરપ પી લીધું ને હિમ્મતની ગોળી લઇ લીધી

વિરલ રાચ્છે ડો. મનોજ જોષીની ગઝલ રજૂ કરી હતી...સમજી વાંચી મેં પણ જાતે સારવાર થોડી લઇ લીધી, શાંતિનું શીરપ પી લીધું હિમ્મતની ગોળી લઇ લીધી, ઘણી જગ્યાએ વાંચ્યુ હતું કે સમજણનો પણ રોલ ઘણો છે, ઠાંસી ઠાંસી ભરી પડી તી પુસ્તક ખોલી લઇ લીધી, બધા તબિબે એવું કીધું કે શ્રધ્ધા અદ્દભુત અવસર છે..હમણા હમણા પળો બગડતાં એય બિચારી ઘાંઘી થઇ હતી, મમતા નામે એક દવામાં બધે જ લાંબી લાઇન હતી, એ માના ખોળામાં જ મળી ગઇ, મોડી તો મોડી લઇ લીધી. શ્રધ્ધા આપણા સોૈમાં અપાર રહે

વેકસીનથી સો ટકા રક્ષણ મળે છેઃ ડો. મણિયારઃ  વેકસીન પછી કોરોના ન થાય તેની કોઇ ગેરેંટી નથી, પણ તમે મરશો તો નહિ જઃ ડો. ફિરદોૈસ દેખૈયા

કોઇને એમ હોય કે બીજી વેકસીન આવશે ત્યારે લઇશું તો એવું ન વિચારો...વેકસીન તુરત લઇ લો, એક ડોઝ લીધો હોય તો બીજો ડોઝ લઇ લોઃ વિરલ રાચ્છ : કોરોના નહિ પણ વેકસીન ચોક્કસ આપણી ગર્લફ્રેન્ડ છેઃ જય

.કોરોનાની વેકસીન કેટલી ઉપયોગી છે? એ વિશેની ચર્ચામાં ત્રણેય મહાનુભાવોએ પોત પોતાના અનુભવો વર્ણવ્યા હતાં. ડો. રઇશ મણિયારે કહ્યું કે વેકસીન કોરોના સામે અસરકારક છે જે અને આ સો ટકા આ સાચુ છે. સુરતમાં ૭ લાખ ૪૮ હજાર લોકોને વેકસીન અપાઇ ચુકી છે. ૬૦ ટકાએ એક ડોઝ અને ૪૦ ટકાને બે ડોઝ અપાઇ ગયા છે, અને જેણે વેકસીન લઇ લીધી છે એમાંથી કોઇનું પણ મૃત્યુ થયું નથી. આમાંથી ૭૦૦૦ પોઝિટિવ આવ્યા, પણ આ બધાને રક્ષણ મળ્યું છે. સુરત પુરતુ કહું તો વેકસીનને કારણે છેલ્લા ત્રણ મહિનામાં બધાને ફુલપ્રુફ રક્ષણ મળ્યું છે. બ્રિટનમાં પણ આ સફળ રહ્યું છે.

ડો. ફિરદોૈસે કહ્યું-ઇઝરાયલમાં તો હવે માસ્ક પણ જરૂરી નથી. વેકસીન બધાને ખુબ બચાવે છે. વેકસીન લીધા પછી કોરોના ન થાય તેની ગેરેંટી નથી. પરંતુ  તમે મરશો તો નહિ જ.

જય વિઠ્ઠલાણીએ કહ્યું કે મને પોઝિટીવ આવ્યો પછી મારે ડો. શેટ્ટી કે જે મોટા સર્જન છે તેમની સાથે વાત થઇ હતી. તેણે મને કહેલું કે વેકસીનના દસ બાર દિવસ થઇ ગયા પછી તમે સંક્રમિત થયા હોવ તો વધુ વાંધો નહિ આવે. તમે બચ્યા છો તો વેકસીનને કારણે. જયએ કહ્યું મને અનેક તકલીફો છે. હાર્ટની અને ફેફસાની પણ તકલીફો છે, છતાં મને વાંધો ન આવ્યો એનું કારણ હું વેકસીનને માનુ છું. વિરલ રાચ્છે કહ્યું વેકસીન લેવાથી ઇમ્યુનિટી વધતાં જ જયને ઘણી શારીરિક તકલીફો હોવા છતાં તે કોરોનાને હરાવી શકયો છે.

સિસ્ટમની ખામી વિશે લખવાનો એકમાત્ર અધિકાર મિડીયાને છે, પરંતુ આ સિવાયની કોમ્યુનિટી પોતે જ મિડીયા થઇ જાય એ સ્વસ્થ સમાજ માટે યોગ્ય નથીઃ ડો. ફિરદોૈસ દેખૈયા

એક સવાલની ચર્ચા વખતે ડો. ફિરદોૈસ દેખૈયાએ કહ્યું કે-પર્સનલ સિસ્ટમની ખામી વિશે લખવાનો એક માત્ર અધિકાર મિડીયા પાસે છે. આ સિવાયની કોમ્યુનિટી પોતે જ જાતે મિડીયા થઇ જાય અને અલગ અલગ બ્રોડકાસ્ટ સેન્ટર થઇ જાય તે હેલ્થી સોસાયટી માટે યોગ્ય નથી. એ લોકો સ્વતંત્રતાની વાત કરે છે, તમે તેનાથી ભીન્ન વાત કરો તો તમારી પર તૂટી પડે. આ કામ મિડીયાનું છે. પણ મિડીયા સિવાયના મંડી પડે એ યોગ્ય નથી. કોઇ એક પક્ષ કે પદ ખામીઓ વિશે લખે, ખુબીઓ વિશે પણ કેમ નથી લખતું. ડો. મણિયારે કહ્યું કે-મિડીયા કર્મી જો યોગ્ય ન લખે તો ઠીક નથી આવા સમયે એમણે એમની ફરજ બજાવવી જોઇએ. સિસ્ટમના નબળા પોઇન્ટ એવી રીતે બતાવો કે નબળાઇને સુધારી શકાય.

જામનગરના પત્રકાર મુકેશ જોઇશરે આ સવાલના જવાબમાં લખ્યું કે-પહેલા કેટલા દર્દી સાજા થઇએ એ લખીએ, આજના નવા કેસ લખીએ, જે લોકોને ઓળખતા હોઇએ તેના દુઃખદ સમાચાર લખવા જ પડે, સિસ્ટમની ખામી વિશે તો લખવું જ પડે એ અનિવાર્ય છે. નહિ તો તંત્ર અને સત્તાવાહકો નિંભર થઇ જાય. પોઝિટિવને બીરદાવીને ખુટતી કડીને ઉજાગર કરવી એ અખબારી અને સોશિયલ મિડીયાનો ભાગ છે.

વિરલ રાચ્છે કહ્યું-'અકિલા' પણ એ જ કરે છે. તંત્રની ભુલ હોય તો કાન આમળ્યો જ છે.  જે માણસ સાચી ટીકા કરતો હોય એ જો સતત ખરાબ લખવા માંડે તો પછી એ સાચી ટીકા કરશે તો પણ લોકો તેને સાચુ નહિ સમજે. એક લેબલ લાગી જાય છે. 

દરેક વસ્તુમાં કોઇનો વાંક કાઢવો...સરકાર ડોકટર કે બીજા બધાને ગાળો દેવી, કડવાશથી બોલવું, દરેક વસ્તુમાં રાજકીય વલણ અપનાવવું એ યોગ્ય નથી. આવું કરવાથી લોકોમાંથી શ્રધ્ધા ઘટશે વિશ્વાસ ઘટશે

બીજા વેવ વખતે ડો. રઇશ મણિયારના ફેસબૂક પર કોરોના સિરીઝના આઠ પ્રકરણ- ૮ એપિસોડ આવી ચુકયા છે. એના વિષયો કેવા છે-શા માટે આવી ટ્રાય કરી? તે વિશે જણાવવા વિરલ રાચ્છે અનુરોધ કરતાં ડો. રઇશ મણિયારે કહ્યું કે-વિરલભાઇ મુખ્ય કારણ છે ડર-ભય...મૃત્યુનો ડર અત્યારે લોકોને ખુબ છે. કેટલા બધા લોકોના ફોન આવે, લોકોના મગજમાં મૃત્યુનો ભય સતત છે. આવો ખોટો ભય ઓછો થાય એવો પ્રયાસ કરવા માટે મેં લખ્યું છે. ઘણા લોકો તો એવું માનીને ડરવા માંડ્યા હતાં કે હવે વિશ્વનો અંત આવી જશે. હાલમાં હવે કેસ ઓછા થઇ રહ્યા છે. પરંતુ નેગેટિવીટીનો પ્રસાર લોકોને સતત ડરાવે છે. આવું થતું હોય ત્યારે  લોકો સુધી સારી અને સાચી વાતો પહોંચાડવા મેં પ્રયાસ કર્યો છે.

નિરાશાવામાં બધુ ખરાબ થશે, બગડી જશે એવુ ઘણાને થયે રાખતું હોય છે. ભીડમાં જાવ ત્યારે માસ્ક ન પહેર્યુ હોય, ૫૦-૧૦૦ લોકો વેન્ટીલેશન વગરના હોલમાં કે એવા કોઇ સ્થળે ભેગા થાય, બીનજરૂરી ટ્રાવેલ, હોસ્પિટલમાં દર્દીની વચ્ચે હોય ત્યારે ડર લાગે એ સાચો ડર છે. માસ્કનો ઉપયોગ અને સેનેટાઇઝ કરવું પડે.

ટીવી પર ન્યુઝ, વ્હોટ્સએપ વિડીયો જોઇ ગભરાઇ જવું, બીજ જરૂરી હાથ ધોવા, ઘરમાં ને ઘરમાં હોઇએ તો પણ હાથ ધોયે રાખવા એ ખોટો ડર છે.  દરેક વસ્તુમાં કોઇનો વાંક કાઢવો...સરકાર ડોકટર કે બીજા બધાને ગાળો દેવી, કડવાશથી બોલવું, દરેક વસ્તુમાં રાજકીય વલણ અપનાવવું એ યોગ્ય નથી. આવું કરવાથી લોકોમાંથી શ્રધ્ધા ઘટશે વિશ્વાસ ઘટશે.

 ફેસબૂકના એપિસોડ દ્વારા લોકોમાંથી ખોટો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. સાચી સારી વાત થકી રઇશભાઇ ઘણુ આવરી લે છે, તેમ કહી વિરલ રાચ્છે તેમને કોરોના કાળમાં નવું શું કર્યુ? તે અંગેનો સવાલ પુછતાં ડો. મણિયારે કહ્યું હતું કે-હું હમેંશા એ વિશે વિચારું કે દર્દ પોતાનું સમજીને વિચારો તો સંતાપ આપે. પણ બધાને દેશ આખાને તકલીફ છે એવું વિચારો તો રાહત રહે. કલાકાર તરીકે બે વસ્તુ દેખાઇ. મારે આ પરિસ્થિતિમાંથી  શું લેવું, શું આપવું છે. પહેલા લોકડાઉનમાં  મને મારી સિરીઝ ચલાવવાની જરૂર નહોતી લાગી. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉનમાં મેં સતત  ૨૧ હાસ્ય લેખો  આપ્યા હતાં. એ પછી લોકડાઉન લંબાયુ તો મેં મુશાયરાનો માહોલ ઉભો કર્યો-વર્તમાન અને બીજા સમયના કવિઓનો પરિચય કરાવ્યો.

ડો. મણિયારે કહ્યું આ સમયમાં કેટલાક કલાકારોએ ગાયકોએ ખાખરા વેંચીને દિવસો કાઢ્યા. નાસ્તા-ટીફીન મોકલીને ચલાવ્યું, બધાની હાલત કપરી છે. બધાએ ખુબ હિમતથી કામ કર્યુ છે.

મારે કોરોનાના પહેલા વેવમાં જ્યારે મનોરંજનની જરૂર હતી તો એ આપ્યું. હાસ્ય લેખ લખવાનું સહેલુ નથી હોતું. સામાજીક જવાબદારીના ભાગ રૂપે હાસ્ય લેખ પણ લખુ છું. ગુજરી ગયેલાને અને દુઃખદ ઘટનાઓને સતત સતત સતત યાદ કરો તો તમે જીવી ન શકો, હળવાશ જીવનમાં ખુબ જરૂરી છે. મારા તરફથી હળવાશ ફેલાવવાનો પ્રયાસ કરુ છું. વિરલે કહ્યું- ડો. રઇશ મણિયાર હવે યુ-ટ્યુબર પણ બની ચુકયા છે, તેમણે હવે જુદો ચોકો ઉભો કર્યો છે.

સામાન્ય માણસ ગમે તેમ કરીને ટકી રહ્યો છે-તેને સલામ કરવા ડો. રઇશે આપી એક સરસ રચના

આ બધાની વચ્ચે ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન ભોગવ્યું છે. આપણે ઘણા સ્વજનો, મિત્રોને ગુમાવ્યા છે. આટલુ તો કદી ગુમાવ્યું નથી. બધાને અંજલી આપીએ. પરિચિત મિત્રોના ન્યુઝ આવે...રીપ લખો એ પોસ્ટ વધુ ફરશે...ગભરાઇ ન જાય...સવા વર્ષથી કામ ધંધા વગર, આર્થિક, માનસિક, શારીરિક રીતે તૂટી ગયા છે. પણ દેશનો સામાન્ય ગરીબ સ્થિતિ મહિને દસ બાર હજાર કમાતો હોય છતાં તેણે પણ  પોતાના બાળકો, પરિવારને સાચવ્યા છે. એ બધાને હું સલામ કરુ છું, આશા રાખું બધા ટકી રહે. આ લોકોને સલામ કરવા માટેની રચના મેં તૈયાર કરી છે. દુઃખ સહન કરીને પણ બધાને સહાય કરે એ વલણ આવા લોકોમાં હોય છે.

રોદણાથી પર થવાની રીત શીખી જાય છે,

જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે,

એક બે વાર જ પડે એકાદ બે ઇજા પછી

બાળકો પગભર થવાની રીત શીખી જાય છે,

કેટલો લાંબો સમય નુકસાનમાં જીવી શકે,

માણસો સરભર થવાની રીત શીખી જાય છે, 

દે નહિ ખપ્પરમાં હોમાવા કદી પરિવારને,

માણસો છપ્પર થવાની રીત શીખી જાય છે,

છે નમક પ્રશ્વેદનું મોતી સમુ ચમકયું જુઓ,

વેદના હુન્નર થવાની રીત શીખી જાય છે,

 સમય પણ નીતનવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે,

આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે,

કોઇ દુઃખથી મુઢ કયાં બનતું કૃપા એ ઘુંટ છે,

જે ટકે બહેતર થવાની રીત શીખી જાય છે

વિષ વિષમ સંજોગનું જે ભોળપણથી પી જશે,

આખરે શંકર થવાની રીત શીખી જાય છે. 

કલાકારોએ બીનજવાબદાર ન બનવું, અરાજકતા ફેલાય એવું ન કરવું: દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી જરૂરી છે, તેમાં કલાકાર પણ આવી જાયઃ કલાકારોએ મનોરંજન પીરસવું જોઇએ, પોતાનું બ્રાન્ડીંગ કરવું જોઇએ નહિ

.'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' લાઇવમાં સંજય દેસાઇ નામના ચાહકે સવાલ કર્યો હતો કે-કલાકારો સમાજમાં  પ્રતિષ્ઠિત હોય છે. પણ કેટલાક કલાકારો સિસ્ટમ પર સવાલ ઉઠાવે છે? એનાથી સામાન્ય માણસ ઉશ્કેરાય છે, શું એ સમયનું સમાધાન છે? શું આ યોગ્ય છે?...આ સવાલના ત્રણેય મહાનુભાવોએ જે જવાબો આપ્યા એ પણ જોઇએ.

ડો. રઇશ મણિયાર-આપણી સામાજીક જવાબદારી છે, તમે બીનવાબદાર ન બનો, પોલીટીકલ હિતને નજરમાં રાખી સમાજમાં અરાજકતા ફેલાવો, તોડફોડ કરવામાં જ રસ હોય એને બધુ ખોટુ જ દેખાય. કલાકારોમાં ઓછા એવા હોય છે. પણ સવા વર્ષથી કામ વગર બેઠા હોય તો ઘણીવાર લાગણીશીલ કલાકારો ઉગ્ર થઇ જતાં હોય છે. આવા સમયે પક્ષાપક્ષીથી દૂર રહેવું જોઇએ. કોરોના સામે ભારતીય તરીકે લડવાનું છે. તમારી લાગણી શાંતિથી રજૂ કરી શકો. આપણે બધા માણસો છીએ, બધાનું ભલુ ઇચ્છીએ છીએ. આ સમયનો તકાજો એ છે કે તમે સામાન્ય માણસના મનમાં શ્રધ્ધા જગાવો, બે ત્રણ દિવસ સિસ્ટમ તંગ થઇ એ સ્વીકાર્ય છે. કોઇને ખબર નહોતી કે ઓચીંતો વેવ આવશે. જે થયું તે અણધાર્યુ થયું. બીજા દેશમાં પણ આવું થયું. ભારતમાં સોૈથી ખરાબ પરિસ્થિતિ નથી. વિશ્વસના છ ટકા લોકો ભારતમાં ગુજરી ગયા છે. સામે વસ્તી વીસ ટકા છે. આ સમજવું જોઇએ, કોઇનો ફાળો છે કોઇનું પ્રદાન છે, આમાં રાજકારણ ન લાવો. હેલ્થકેર સરકારી છે, પ્રાઇવેટ છે. આઇએઅસ અધિકારીની જેમ વર્તો, એ કોઇ દિવસ નથી વિચારતા કે ભાજપમાં મજા આવશે કે કોંગ્રેસમાં. પક્ષાપક્ષીથી પર થઇ આફતનો સામનો કરો.

ડો. ફિરદોૈસ દેખૈયાએ કહ્યું-કલાકારોની માન્યતા સ્ટ્રોંગ હોય છે કે એ પોતે એક વિચારધારામાં માને છે. તેઓ જે જુએ છે એ રજૂ કરે છે. સરકારની વિરૂધ્ધ લખવાવાળા મળી જાય. પણ એ જ કલાકાર બેંક કે હોસ્પિટલમાં ગયો હોય અને સારુ થયું હોય તો એનો પણ આનંદ કરવો જોઇએ. હાલના સમય પ્રમાણે જે લોકો કામ કરે છે તેની ભુલ કાઢશો અને તેને હટાવશો તો કામ કોણ કરશે? અભિવ્યકિતને વધુ સુંદર રીતે રજૂ કરે એ કલા. અત્યારનો સમય ઇમર્જન્સી સિચ્યુએશન જેવો છે. જેમાં દરેક નાગરિકે પોતાની ફરજ શું છે એ સમજવું જોઇએ, કલાકારો પણ એમાંથી બાકાત નથી.

વિરલે કહ્યું-બહુ સહેલુ હોય છે કલાકારોને બ્રાઉની પોઇન્ટ લેવા હોય તો, સિસ્ટમને ગાળો દેવી અને તાળીઓ ઉઘરાવી લે છે તે સહેલુ છે. જ્યારે બોલવાનું હોય ત્યારે બોલો, ખોટુ હોય તો ખોટુ કહો. ખાસ કરીને તમે કલાકાર તરીકે પોતાને સમાજનું દર્પણ કહેવડાવતા હોય ત્યારે તમારે વધુ ગંભીર રહેવું જોઇએ.

જય વિઠ્ઠલાણીએ કહ્યું- ડોકટર, પોલીસ અને બીજા તંત્રવાહકો પોતાનું કામ કરી રહ્યા છે. ત્યારે કલાકારોને મનોરંજન પીરસવાનું છે. માત્ર પોતાના બ્રાન્ડીંગ માટે કલાકારોએ કામ નથી કરવાનું. વેકસીન લેવા જેવી બાબતમાં પોલિટીકલ આઇડીયા ન હોય. ઘણા કલાકારો આવું કરતાં હોય છે.

કોરોનાનો સમય હવે લાંબો નહિ ચાલે, શ્રધ્ધા રાખો-વિશ્વાસ રાખોઃ જે કામ કરે છે તેના તમારાથી વખાણ ન થાય તો ચાલશે, ટીકા તો ન જ કરોઃ વેકસીન અચુક લો

લોકોના હિતમાં લોકોને માનસિક શાંતિ મળે, સંતાપ ઓછો થાય એવા આશયથી હું લખીશ એવું વિચારી મેં લખવાનું ચાલુ કર્યુ અને પોસ્ટને બધાએ વધાવી, બીજા લોકો સુધી પહોંચાડીઃ ડો. મણિયાર : સ્વસ્થ રહેવું અને ભય ઉત્પન્ન થાય એવું કંઇ કરવું નહિ-વિરલ રાચ્છ : શ્રધ્ધા તમને જીવાડવા બહુ જરૂરી હોય છે, ભ્રામક હોય તો પણ શ્રધ્ધા જીવાડી જાય છે

લખીએ પાંખ અને માળા વિશે.. કોણ શું કરશે એ ચિંતા છોડવાની છે હવે, આપણે વિચારવાનું આપણા ફાળા વિશ' રજૂ કરી હતી.

શ્રધ્ધા અપાર છે...ની શરૂઆત ડો. રઇશ મણિયારે પોતાની આગવી શૈલીમાં કરી હતી. તેમણેકહ્યું-વાતાવરણ ભલે ગમગીન હોઇ, 'અકિલા'નું છત્ર છે ત્યારે આ સાંજને સંગીન બનાવશું, અકિલાના ભાવક મિત્રો-શ્રોતાઓ-જોડાયા છે ઘણા સમયથી બધાને આ રીતે જ જોવાનું થાય છે. કલાની ઉજવણી પણ આ રીતે થાય છે. શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી નિમીષભાઇનો આભાર માનુ છુ...દોસ્તી છે કયાં કોઇ વહેવાર છે, વ્હાલનો હર આંખમાં ઉફાણ છે, એકધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે.

હૈયાને હામ અને જિંદગીને જોમ આપતી નાનકડી મહેફીલમાં બધાનું સ્વાગત છે...તેમ કહી ડો. મણિયારે પરિસ્થિતિ કપરી છે, કોરોના ભુજંગાસન પર ડોલે છે, ધંધા રોજગાર શિર્ષાસનમાં ઝુલે છે, મંદી અને માંદગી સિંહાશનમાં મહાલે છે, આખી દુનિયા આખો દેશ આશ્વાસન પર હાલે છે ત્યારે એક સરસ ઉપક્રમ 'અકિલા'એ વિચાર્યો એ માટે 'અકિલા'ને અભિનંદન.

વિરલ રાચ્છના એક સવાલના જવાબમાં ડો. મણિયાર કહે છે-૨૦૧૩ની સાલ સુધી પિડીયાટ્રીશન ચાઇલ્ડ સાઇકોલોજીના નિષ્ણાંત તરીકે મેં પ્રેકટીસ કરી. વીસ વર્ષ પછી મેં સાહિત્ય સર્જન અને તેની પ્રવૃતિ પર ધ્યાન કર્યુ. સાત વર્ષના સમયમાં મેડિકલ વિશે લખવા પર મેં ભાગ્યે જ કંઇ વિચાર્યુ હોય. પહેલો દોર કોરોનાનો આવ્યો ત્યારે ભયજનક લાગ્યું હતું. પણ લોકડાઉન આવ્યું, તકેદારી રાખી, લાંબુ ચાલ્યું...દૂરથી પહેલો વેવ ભયાનક હતો.  પણ મૃત્યુનું પ્રમાણ ઓછુ હતું. ત્યારે મારી અંદરનો તબિબ જાગૃત કરવાનું યોગ્ય લાગ્યું નહિ. આ વર્ષે માર્ચમાં કેસ વધવાનું ચાલુ થયું. હેલ્થકેર સિસ્ટમની બહાર જવા માંડ્યું, ડોકટરો પાસે પણ સમય નહોતો. ત્યારે મને થયું કે ફોન ઉપર હું મિત્રોને માર્ગદર્શન આપીશ, ડોકટર તરીકે હું હુંફ આપીશ. રેમેડિસીવર કે બીજુ તો હું કદાચ ન આપી શકું પરંતુ એનો હું નિષ્ણાંત નથી. એમબીબીએસ, એમડીની ડિગ્રી, સાયકોલોજી વિષયમાં માસ્ટરી હોવાથી કાઉન્સેલીંગ કરીને ભય-અકારણ ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરીશ. મને પોતાને માહિતીના ઉંડાણ સુધી પહોંચવાનો રસ હોવાને કારણે મને લાગ્યું કે લોકોના હિતમાં લોકોને માનસિક શાંતિ મળે, સંતાપ ઓછો થાય એવા આશયથી હું લખીશ. એ કારણે મેં કામ ચાલુ કર્યુ અને પોસ્ટને બધાએ વધાવી, લોકો સુધી પહોંચાડી.

વિરલભાઇએ એ પછી સર્જન અને સર્જક એવા ડો. ફિરદોૈસ દેખૈયા સાથે વાર્તાલાપ આગળ ધપાવ્યો હતો. ડો. દેખૈયા સારા કવિ, ગાયક, સર્જક અને સર્જન છે. બીજા વેવને જોઇને પ્રજા હચમચી ગઇ છે. એ દ્રશ્યો ફિરદોૈસભાઇએ નજીકથી જોયા છે, અનુભવ્યા છે, પીડા જોઇ છે. એવું શું બળ હતું કે મુશિબતો વચ્ચે પણ  તમન સતત  ટકાવી રાખે છે. ડો. દેખૈયાએ સરસ ઉપક્રમ આપવા બદલ અકિલાનો ખુબ ખુબ આભાર માની આગળ કહ્યું હતું કે-મહામારી ઓચિંતી આવી ગઇ છે, અપેક્ષા પણ ન કરી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ. આખા સમાજ અને બધાના જીવન પર અસર પડી છે, ઇકોનોમીથી માંડી દરેક પાસા પર અસર થઇ છે. ૩૧ ડિસેમ્બર-૨૦૧૯માં કોરોનાનો પહેલો કેસ ભારતમાં આવ્યો હતો. ફર્સ્ટ વેવ આવી જતો રહ્યો, લોકડાઉન લાંબુ ભોગવ્યું.

અત્યારે અગાઉ જેવી માનસિકતા નથી. આપણે ટોટલી બદલાઇ ગયા છીએ. દરેક ક્ષેત્રે અસર થઇ છે. સેકન્ડ વેવમાં વધુ કેઝઅુલટી થઇ છે તેનું કારણ એ છે કે એક વર્ષ પછી આપણે બીક મુકી દીધી છે, આ વસ્તુ તો છે જ એવું સ્વીકારીને ડર મુકી દીધો છે. ડર ઓછો થઇ ગયો છે. આ રોગમાં આટલા બધા મૃત્યુ થવાનું કારણ પણ એ છે. વળી આ વખતનો સ્ટ્રેઇન પણ વધુ પડતો ઘાતક છે. આ સમય નથી આપતો, પહેલો વેવ સમય આપતો હતો.

નવા સ્ટ્રેઇનમાં પહેલુ લક્ષણ દેખાતું પણ ન હોય ત્યાં તો  પાંચમા સાતમા દિવસે ગંભીર બની જાય છે. સીધુ ફેફસામાં ઉતરી જાય અને ફટ દઇને તબિયત બગડે.

એવી કઇ શકિત છે કે કલાકો સુધી આપ હોસ્પિટલમાં રહો છતાં તમે થાકો નહિ? બધા ડોકટરમાં એવી કઇ ભાવના જે તેમને ટકાવી જાય?...વિરલ રાચ્છના આ સવાલના જવાબમાં ડો. ફિરદોૈસ દેખૈયાએ કહ્યું-અત્યારે હું એમડી સર્જન છું.  કોઇપણ ડોકટરની લાઇફમાં આવી ક્ષણ એક જ વાર આવતી હોય, જે તેની લાઇફ સ્ટાઇલ બદલી નાંખે...અત્યારે મારે સતત ચોવીસ કલાક કોરોનાના દર્દી માટે આપવા જ પડે. મને એ ખબર છે અને એ કારણે જ હું આ કામ કરી શકુ છું.

જય વિઠ્ઠલાણી ગુજરાતનો ઉચો આલા દરજ્જાનો એકટર છે. સોૈથી વધુ એવોર્ડ શ્રેષ્ઠ અભિનેતાના સોૈ પહેલા તેના નામે છે. જયના શરીરમાં બીજા પણ રોગો, તકલીફો છે. તે પોતે કોરોનાથી સંક્રમિત થયા પછી તેણે શું કર્યુ? તે અંગેની વાતચીતમાં જયએ  'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ'નો આભાર માનતા કહ્યું કે...૨૦૧૨માં અમારું નાટક રઇશ ભાઇનું લખેલું લવ યુ જિંદગીનો શો જામનગરમાં ૫ મેના રોજ હતો. એ પહેલા મને નાનકડો એટેક આવ્યો અને પાંચમીનો શો કેન્સલ કરવો પડ્યો. એક એકટર તરીકેની પીડા મને ત્યારે જ ખબર પડી. સુંદર નાટક રદ થયું. એ જ મહિનામાં ઓપરેશન કરાવ્યું. ૨૮ મેના હાર્ટની મોટી સર્જરી થઇ. એ પછી  જામનગરમાં એક વર્કશોપની પુર્ણાહુતિમાં હું હાજર રહ્યો ત્યારે મને જે ફિલીંગ થઇ હતી એણે મને હાલમાં કોરોનામાંથી બહાર નીકળવાની શકિત આપી હતી. હું ત્યારે જુનિયરના નાટકો જોતો હતો. એ વખતે મને પીડા  થયેલી કે હવે પછી આપણો વારો આ રીતે બેસવાનો ન આવે એ માટે હેલ્થને ફિટ રાખવી. આ જુની બાબતોએ મને કોરોનામાંથી ઝડપથી બહાર આવવામાં મદદ કરી. મારા વાઇફ, મારા દિકરા પછી મને કોરોના થયો એટલે હું ડરી ગયો હતો. પણ ડો. મનોજ જોષીની મદદથી હું સ્વસ્થ થઇ ગયો.

એ સમયમાં મેં મારા જ જુના નાટકો જોયા કે જેને મારે વધુ સારા કરવા જોઇએ, અમુક ખુબ સારા હતાં એ જોયા. હજુ વધુ સારુ કરવાનું બાકી છે. એ જીજીવિષાએ મને ઝડપથી સાજો થવા હિમત આપી. મેં મારી બિમારીમાંથી શીખ્યું કે-એ સ્વમાની હોય, તેને દાદ ન આપો તે ચાલી જાય...કોરોના એ ઇગોઇસ્ટીક છોકરી છે, તેને દાદ ન આપો તો એ ચાલી જાય.

હવે પછીના આવનારા સમય વિશે શું કહેશો? વિરલ રાચ્છના આ સવાલના જવાબમાં ડો. ફિરદોૈસભાઇએ કહ્યું કે-તમે જોશો કે દરેક સીટીમાં લોકો મદદે આવી રહ્યા છે. ઓકિસજન વેન્ટીલેટર સાથેની સુવિધા કયાં કયાં છે? એ સહિતના લાઇવ અપડેટ આપી રહ્યા છે. બધા પ્રયાસો કરી રહ્યા છે.  મારે આ રૂટીન છે. ચોવીસ કલાક આ વ્યવસ્થામાં જ જાય છે. સર ટી હોસ્પિટલમાં આઠ દસ વેઇટીંગ હતું. હું જેમાં પોઝિટિવ જોવ તો લખાણ, પોસ્ટ તુરત ફેસબૂક પર મુકુ. સારા ન્યુઝ હું મુકુ. પણ એનો મતલબ એવો નથી કે રિલેકસ થઇ જવું, લોકો રિલેકસ બહુ જલ્દી થઇ જાય...ગીર જાય, દિવ જાય...બહાર નીકળી ન પડો, હજુ સાવચેત રહો, જો નહિ રહો તો કોરોનાનો ગ્રાફ જે નીચે ઉતરી રહ્યો છે તે ફટ દઇને ઉપર પણ જઇ શકે છે.

ફ્રન્ટ લાઇન વોરીયરને સલામઃ ડો. મણિયાર

ડો. મણિયારે એક ચર્ચામાં કહ્યું કે ઘણીવાર દર્દીની સેવા કરવા પણ કોઇ તૈયાર નથી હોતું. ત્યારે ડોકટર, નર્સિગ સ્ટાફ અને બીજો વર્ગ સતત મદદ કરે છે. ઘરે બેઠા છે એ આંકડા જોઇને ડરે છે. લોક થઇને બેઠા છે છતાં સામાન્ય માણસને ડર લાગે છે. બીજી તરફ હોસ્પિટલોમાં કોઇ સિસ્ટર પ્રેગનન્ટ હોય, ડોકટરને ઘર નાના બાળકો, પરિવારજનો હોય છતાં તેમને ત્રીસ ચાલીસ દર્દી જોવાના, સંક્રમણનો પુરો ડર છે છતાં તેઓ તાકાતથી હિમતથી સેવા કરતાં હોય છે, ફ્રન્ટ લાઇનમાં કામ કરતાં હોય છે. આ તમામની સેવાને સલામ કરવી પડે.

વિરલનો સવાલઃ આવનારા સમયને કેવી રીતે જોવો જોઇએ?

જવાબમાં ડો. રઇશ કહે છેઃ મને એવું લાગે છે કે ભારત ખમતીધર મોટો દેશ છે. આવી મહામારી આવે ત્યારે સિસ્ટમ પર ભારણ આવે.પર્સનલી બધાને તકલીફ પડી છે. દેશ તરીકે અમેરીકાની ઉમર ત્રણસો વર્ષ, આપણા દેશની પાંચ હજાર વર્ષની છે....દુનિયાએ જ્યારે આવી તકલીફો જોઇ છે ત્યારે દુનિયા બહાર આવી છે. પાંચમી સદીમાં યુરોપની વસ્તી સાત કરોડ હતી. તેમાંથી સાડા ત્રણ કરોડ લોકો મરી ગયા હતાં. પછી યુરોપનો વિકાસ થયો.

૧૪મી સદીમાં પ્લેગમાં આખી દુનિયાની વસ્તી ૪૫ કરોડ હતી. તેમાંથી ૧૫ કરોડ મરી ગયા. ત્યારે વિજ્ઞાન નહોતું, રસી નહોતી. છતાં માનવજાત રહી છે. ધરતીકંપ પુર પછી શહેર હોય એના કરતાં વધુ સારુ બને. કોઇપણ દેશમાં મુશ્કેલી આવે તો પછી પ્રગતિ થાય છે. આ બધી બાબત મને વિશ્વાસ રાખવા પ્રેરે છે કે બધુ સારુ થશે. વાયરસ છે તકલીફ ભોગવવી પડી તેમાંથી બહુ જલ્દી બહાર આવશું બહાર આવ્યા પછી બધા બમણા જોશથી જે ફિલ્ડમાં કામ કરે છે તે કરશે.

શ્રધ્ધા તમને જીવાડવા બહુ જરૂરી હોય છે, ભ્રામક હોય તો પણ શ્રધ્ધા જીવાડી જાય છે. સમાજની સારૂ કરવાની શ્રધ્ધા, ખરાબીઓ વચ્ચે સમાજની બહુમતિ સારુ ઇચ્છે છે.  પોઝિટિવિીટીનો સંદેશ ફેલાવવાનો છે. ભારત જ નહિ દુનિયાના બધા દેશો આગળ વધશે.

ડોે. ફિરદોૈસે ગની દહિવાલાના શેર...મારો વિકાસ મંદ છતાં શાનદાર છે, દુનિયા છો જેમ તેમ વિસ્તરી ગઇ, શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંજીલ સુધી મને, રસ્તા ભુલી ગયો તો દિશાઓ ફરી ગઇ...એ તાંકીને કહ્યું-આપણે જુદી દિશાઓમાં કામ કરવાનું છે. ૧૮૨૦, ૧૯૨૦, ૨૦૨૦માં આફતો આવી. દર એક સદીમાં કુદરત પરિક્ષા લેતો હોય તેમ લાગે છે. બસ હવે બધુ નોર્મલ થઇ જશે. આ હવે લાંબુ ટકવાનું નથી...આપણે એટલા માટે  ગભરાયા કે તેના તત્કાલ પરિણામો જોયા. અફવાથો બચો, સાચી માહિતીને સમજો. આપણી સૃષ્ટીને આપણે પ્રદુષણ દ્વારા નુકસાન કરીએ છીએ એ ભરપાઇ થવાનું નથી. કોરોના કરતાં વધુ ઇશ્યુ પ્રદુષણના છે.એના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

અંતમાં સંચાલક શ્રી વિરલ રાચ્છે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી ટીમના  નિમિષભાઇ ગણાત્રા, હિરેન સુબા અને મિલીન્દ ગઢવી વતી સોૈનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમ 'અકિલાન્યુઝ ફેસબૂક પેજ' પર માણી શકો છો.

(11:34 am IST)