Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમેરિકામાં કોરોનાને કારણે ઇંધણ પાઇપલાઇનમાં સાઇબર હુમલો

હેકર્સે માંગી ખંડણી : ડેટા લીક કરવાની ધમકી : ઇમરજન્સી જાહેર

વોશિંગ્ટન તા. ૧૦ : અમેરિકામાં ઇંધણની સૌથી મોટી પાઇપ લાઇનમાં મોટો સાયબર હુમલો થયો. જેને પગલે દેશમાં ઇમરજન્સી જાહેર કરાઇ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સાયબહર હુમલો કોરોનાને કારણ થયો. કારણ કે આ પાઇપલાઇનના મોટા ભાગના એન્જીનિયર્સ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા. આના કારણે ચાર મુખ્ય પાઇપલાઇન બંધ થઇ ગઇ છે.

કોલોનિયલ પાઇપ લાઇનમાં હેકર્સની એક ગેંગે શુક્રવારે હુમલો કર્યો હતો. ત્યારથી તેને રિપેર કરવાનું કામ હજુ ચાલુ છે. ઇમરજન્સીને કારણ અવે અહીંથી ઇંધણની સપ્લાય પાઇપલાઇનને બદલે રોડમાર્ગે થઇ શકે છે. જેના કારણે ઇંધણના ભાવો ૨થી ૩ ટકા વધવાની સંભાવના છે. જો આ સમસ્યાનો જલદી ઉકેલ નહીં લવાય તો તેની વ્યાપક અસર થવાની નિષ્ણાતોએ આશંકા જતાવી છે.

અમેરિકાની કોલોનિયલ પાઇપલાઇનથી દરરોજ ૨૫ લાખ બેરલ તેલ સપ્લાય થાય છે. દેશનાં પૂર્વ કાંઠાના રાજયોમાં ડીઝલ, ગેસ અને જેટ ઇંધણની ૪૫ ટકા સપ્લાય આ પાઇપલાઇનથી જ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ રેન્સમવેર હુમલો ડાર્કસાઇડ નામની સાયબર ક્રાઇમની એક ગેંગે કર્યો હોવાની પુષ્ટિ થઇ છે. હેકર્સે ગુરૂવારે કોલોનિયલ નેટવર્કમાં સેંધ લગાવી ૧૦૦ જીબી ડેટા પોતાના કબજામાં કરી લીધો હતો. ત્યાર બાદ તેમણે કેટલાક કમ્પ્યૂટર્સ અને સર્વર્સ પર ડેટા લોક કરી દીધા અને શુક્રવારે ખંડણીની માગી હતી. હકર્સે ધમકી આપી છે કે જો તેમને ખંડણીની રકમ નહીં મળે તો તેઓ આ ડેટા ઇન્ટરનેટ પર લીક કરી દેશે.

જો કે અહેવાલમાં ખંડણીની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ કંપનીનું કહેવું છે કે સેવાને બહાલ કરવા માટે પોલીસ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને ઉર્જા વિભાગના સંપર્કમાં છે. કંપનીએ રવિવારે જણાવ્યું કે તેની ચાર મુખ્ય પાઇપલાન બંધ છે માત્ર ટર્મિનલથી ડિલિવરી પોઇન્ટ સુધીની કેટલીક નાની પાઇપલાઇનમાં કામ ચાલુ છે.

કોલોવિયલ કંપનીએ જણાવ્યું કે સાયબર હુમલાની જાણ થતા જ અમે અમારા સિસ્ટમની કેટલીક પાઇપલાઇન કાપી નાંખી હતી. જેથી તેના પર હુમલો ન થઇ શકે. જેના પગલે થોડા સમય માટે તમામ પાઇપલાઇનો અને કેટલીક આઇટી સિસ્ટમનું કામ અટકી ગયું હતું.

નોંધનીય છે કે અમેરિકામાં અત્યારે તમામ પ્રકારના ઇંધણની માગ વધી રહી છે. તેનું કારણ એ છે કે લોકો કોરોના મહામારીમાંથી બહાર અવી રહ્યા છે. જયારે તેલ કંપનીઓ વધતી માગને પુરી કરવા સંઘર્ષ કરી રહી છે.

(1:10 pm IST)