Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે

કોંગ્રેસ 'જર્જરિત' અવસ્થામાં : ઠીકઠાકની જરૂર છેઃ સોનિયાનો સ્વીકાર : ૨૩ જુને અધ્યક્ષ પદની ચૂંટણી

કોંગ્રેસ કારોબારીની બેઠક : મોદી સરકારની ભુલની કિંમત ચુકવી રહી છે પ્રજા : આરોપ

નવી દિલ્હી તા. ૧૦ : દિલ્હીના કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં દેશમાં કોરોનાના વ્યાપક પ્રચાર અંગે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના દેખાવો પર સોનિયા ગાંધીએ નિરાશા વ્યકત કરી છે.

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે, છેલ્લા ચાર સપ્તાહમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયાનક જોવા મળી છે. બીજીબાજુ કેન્દ્રની વિફળતાઓ વધુ જટિલ બની છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, વૈજ્ઞાનિકોની સલાહને સંપૂર્ણ રીતે નકારવામાં આવી અને દેશ મોદી સરકારની ભૂલની ભારે કિંમત ચુકવી રહ્યું છે. સોનિયા ગાંધીએ વધુમાં ઉમેર્યું કે જો અમે કહીએ કે ચૂંટણીના પરિણામોથી ખૂબ જ નિરાશ છીએ તો તે પુરતું ગણાય નહિ. ચૂંટણી પરિણામો પર મંથન કરવા માટે હું એક નાનુ જુથ બનાવવા પર જોર આપીશ અને આશા છે કે અમે ટુંક સમયમાં એક રીપોર્ટની સાથે બીજીવાર બેઠક કરીશું.

સોનિયાએ દેશમાં કોરોના રોગચાળાની ગંભીર પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેન્દ્ર દ્વારા જવાબદારીઓ ઉપર કાબુ મેળવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ઇચ્છા દર્શાવવા અને સંકલ્પ કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી લેવી જોઈએ. તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિની ડિજિટલ મીટીંગમાં એમ પણ કહ્યું હતું કે, દરેકને રસી અપાવવી જોઈએ અને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઈએ.

તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર રોગચાળા પ્રત્યે બેદરકારી દાખવે છે અને જાણી જોઈને 'સુપર સ્પ્રેડર' કાર્યક્રમોની મંજૂરી આપે છે, જેના માટે દેશ ભારે કિંમત ચૂકવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, 'દેશમાં આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ છે.' રસીકરણની ગતિ ખૂબ જ ધીમી છે અને તે જરૂરી ગતિએ વિસ્તૃત થઈ રહી નથી.

સોનિયા ગાંધીએ વધુમાં ઉમેર્યુ કે અમે સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે કેરળ અને આસામમાં કેમ હાર્યા અને પ.બંગાળમાં એક પણ સીટ અમારા નામે કરી શકયા નહિ. સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે અમે ૨૨ જાન્યુઆરીએ મળ્યા ત્યારે અમે નિર્ણય કર્યો હતો કે જુનના અંત સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે.

(2:59 pm IST)