Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેજરીવાલ સરકાર ટેકસના પૈસા મફતમાં વહેંચી શકે નહીં : અમને પણ મદદ જોઈએ

લોકડાઉનથી વેપારીઓની હાલત ખરાબ : કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે દેશમાં વેપારીઓ પણ ખુબ ચિંતિત છેઃ કારોબારી ગતિવિધિઓ અટકી જવાની અસર દેશના ૮ કરોડ વેપારીઓ પર પડી છે

નવી દિલ્હી, તા.૧૦: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે દેશમાં વેપારીઓ પણ ખુબ ચિંતિત છે. કારોબારી ગતિવિધિઓ અટકી જવાની અસર દેશના ૮ કરોડ વેપારીઓ પર પડી છે. દિલ્હીમાં લોકડાઉનના પગલે હવે વેપારીઓ પણ ધૈર્ય ગુમાવી રહ્યા છે. ટ્રેડર્સે હવે કેજરીવાલ સરકાર પાસે મદદની માગણી કરી છે.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે દિલ્હી સરકારના ૧૭ મે ૨૦૨૧ સુધી લોકડાઉન વધારવાનાના નિર્ણયને યોગ્ય દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું છે. પરંતુ ખંડેલવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે માંગણી કરી છે કે જે પ્રકારે તેમણે અન્ય ક્ષેત્રો માટે નાણાકીય અને બીજી મદદની જાહેરાત કરી છે તે જ રીતે દિલ્હીના વેપારીઓને પણ નાણાકીય સહાયતા આપવી ખુબ જરૂરી છે.

ખંડેલવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દુકાનો અને બજાર બંધ છે અને વેપારીઓને પૈસે ટકે કોઈ આવક નથી જયારે પરિવારની જરૂરિયાતો અને વેપારમાં કર્મચારીઓના વેતન, વીજળીના બિલ, પાણીના બિલ, સંપત્તિ કર, ઈએમઆઈ ચૂકવણી, કરજ પર વ્યાજ તરીકે વેપારીઓના ખર્ચા સતત ચાલુ છે. વેપારીઓ સરકાર માટે ટેકસ કલેકટર છે, આથી અમને સરકાર પાસે આવી નાણાકીય સુવિધાની માગણી કરવાનો અધિકાર છે. કરદાતાઓ પાસેથી પૈસા વસૂલીને તે પૈસા અન્ય લોકોને મફતમાં આપવા માટે કે તેમની મદદ કરવાના નામ પર ખર્ચ કરી શકાય નહીં આથી વેપારીઓને પણ તેમના હકની નાણાકીય મદદ અવશ્ય મળવી જોઈએ.

રાજય સરકારોએ કોવિડની આ બીજી લહેરની ઝડપને દ્યટાડવા માટે કરફ્યૂ કે લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. CAIT નું કહેવું છે કે કારોબાર નહીં થવાથી ૮ કરોડ વેપારીઓ પર તેની અસર પડી છે. CAIT ના જણાવ્યા મુજબ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન કારોબારીઓને ૬.૨૫ લાખ કરોડ રૂપિયાના વેપારનું નુકસાન થયું છે. કેટનો દાવો છે કે તેણે ૮ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનારા ૪૦ હજારથી વધુ સંગઠનો પાસેથી આ ડેટા મેળવ્યો છે. બીજી બાજુ કેટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને દેશવ્યાપી લોકડાઉન લગાવવાની માગણી કરી છે. CAIT એ રવિવારે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોના પર કાબૂ મેળવવા માટે જે પ્રકારે ગત વર્ષે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું એવું જ લોકડાઉન હવે લગાવવાની જરૂર છે. CAIT નું કહેવું છે કે તેઓ પીએમ મોદીની એ વાતનું સમર્થન કરે છે કે લોકડાઉન આખરી વિકલ્પ હોવો જોઈએ પરંતુ લગભગ ૪ લાખ જેટલા કેસ રોજ આવે તે ચિંતાજનક વાત છે. દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી લોકડાઉન છે, જેની અસર જોવા મળી રહી છે. ત્યાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે.

(4:16 pm IST)