Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભારતમાં ૫ વર્ષથી નીચેના બાળકો ઉપર કુપોષણનો ખતરો : યુનિસેફ

કોરોનાની અસર ભારતના બાળકો પર થઈ શકે છે : ભારતમાં જે થઇ રહ્યું છે તે ડરાવનારું છે, જેની અસર સમગ્ર વિશ્વ પર થઈ શકે છે : ભારતમાં યુનિસેફના પ્રતિનીધિ

નવી દિલ્હી, તા. ૧૦ : કોરોના મહામારીની અસર ભારતના બાળકો પર પણ થઇ શકે છે. ખાસ કરીને જે પાંચ વર્ષથી નીચેની વયના બાળકો છે તેમના પર કુપોષણનો ખતરો રહેલો છે તેમ યુનિસેફ દ્વારા જાહેર કરાયેલી એક ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું. ભારતમાં યુનિસેફના પ્રતિબિધિએ કહ્યું હતું કે ભારતમાં જે થઇ રહ્યું છે તે ડરાવનારુ છે.

યુનિસેફના ભારતના પ્રતિનિધિ યાસ્મીન અલી હકે કહ્યું હતું કે ભારતમાં સ્કૂલો બંધ છે, અને અનેક રાજ્યોમાં ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે તેમાં પણ અનેક અવરોધો આવી રહ્યા છે. ભારતમાં જે કઇ પણ થઇ રહ્યું છે તે ડરાવનારુ છે.

આજે ભારત જોખમ અને ખતરામાં છે. યુનિસેફના કાર્યકારી ડાયરેક્ટર હેનરીટા ફોરે કહ્યું હતું કે ભારતમાં કોરોના મહામારીની ભયાવહ સ્થિતિ છે તેની સમગ્ર દુનિયા પર અસર થઇ શકે છે.

સ્થિતિને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ કરવા આગળ આવુ જોઇએ. જ્યારે યુનિસેફનો દાવો છે કે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો પર કોરોના સંક્રમણનો ખરાબ પ્રભાવ જોવા મળશે. અને વયના અડધાથી વધુ બાળકો કુપોષણનો શિકાર બનશે, એટલુ નહીં ભવિષ્યમાં પણ બાળકો પર સંક્રમણનો દુષ્પ્રભાવ જોવા મળશે.

સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા યુનિસેફના રિપોર્ટને ગંભીરતાથી લેવાની જરુર છે. આગામી દિવસોમાં બાળકોની મનોસ્થિતિ પર પણ કોરોનાની અસર જોવા મળી શકે છે. અનેક બાળકોમાં એક પ્રકારના ડરનો માહોલ છે, જ્યારે કોરોનાને કારણે અનેક બાળકોએ માતા પિતાને ગુમાવ્યા હોવાથી અનાથ પણ થઇ ગયા છે.

(7:41 pm IST)