Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વાવાઝોડુ ‘બિપોરજોય' પોરબંદરથી ૬૪૦ કિલોમીટર દૂર કેન્‍દ્રીત

આફત ગુજરાતની વધુ નજીક આવી : મનોરમા મોહન્‍તી : આ આફત વારંવાર દિશા ફેરવી રહ્યું છે : આજે દરિયાકાંઠે ૩૫ થી ૫૦ કિમી ઝડપે પવન ફૂંકાશે : ૧૩-૧૪ પવનની ઝડપ ૫૦ થી ૭૦ કિમીની પહોંચી જશ : આજથી સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ગાજવીજ - વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્‍યથી હળવો વરસાદ પડવાની આગાહીે

રાજકોટ તા. ૧૦ :  રાજયમાં આગામી પાંચ દિવસ સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્‍છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્‍યુ છે. રાજયમાં ઠંડરસ્‍ટ્રોમ એક્‍ટિવિટી રહેશે. આ સાથે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્‍ટર ડો. મનોરમા મોહન્‍તીએ ગુજરાતના હવામાન અંગે અનુમાન કરતાં જણાવ્‍યુ કે, આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્‍યથી હળવો વરસાદ થઇ શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી રહેશે. તેઓ દરિયો નહીં ખેડી શકે.

તેમણે એમ પણ જણાવ્‍યુ કે, બિપોરજોય વાવાઝોડાને કારણે પવન દિશા બદલાતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે, અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ તાપમાનમાં ૨ ડિગ્રી જેટલો ઘટાડો થશે.

મનોરમા મોહન્‍તીએ એમ પણ જણાવ્‍યુ હતુ કે, ગુજરાતના દરિયાકાંઠે ગતિ પ્રતિ કલાકે ૩૫થી ૪૦ની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. આજે ૧૦ તારીખના રોજ ૩૫થી ૪૦થી ગતિએ પવન ફૂંકાશે આ સાથે ૫૦ સુધી જવાની શક્‍યતા છે. જે બાદ પવનની ગતિ વધવાની શક્‍યતા છે. આ ઉપરાંત ૧૩ અને ૧૪ તારીખના રોજ પવનની ગતિ વધશે. જે ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાક થવાની આગાહી છે. આ ગતિ વધીને ૭૦ સુધી પણ પહોંચી શકે છે.

શુક્રવારે સાયક્‍લોનની જે સિસ્‍ટમ છે તે પોરબંદરથી સાઉથ સાઉથ વેસ્‍ટ તરફ ૮૩૦ કિમી દૂર હતી. જે બાદ આજે શનિવારે આ વાવાઝોડું ગુજરાતની વધારે નજીક આવ્‍યુ છે. આ વાવાઝોડું દક્ષિણ દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી ૬૪૦ કિલોમીટર દૂર છે. જોકે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાઇ રહ્યો છે.

મનોરમા મોહન્‍તીએ એમ પણ જણાવ્‍યુ કે, કચ્‍છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણના દરિયાકાંઠે વરસાદ થવાની સંભાવના છે. જેમ જેમ સિસ્‍ટમ પાસે આવશે એટલે કઇ કઇ જગ્‍યાએ વરસાદ થશે તેનું અનુમાન લગાવી શકાશે. વાવાઝોડાને કારણે હવાની દિશા બદલાઇ શકે છે.મનોરમા મોહન્‍તીએ જણાવ્‍યુ કે, વાવાઝોડું અત્‍યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. બે દિવસ હવામાનમાં મોટો બદલાવ થવાની આગાહી નથી.

(11:49 am IST)