Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ભારતીય નેવીએ અરબ સાગરમાં શક્તિ પ્રદર્શન કર્યું

૩૫થી વધુ વિમાન-બે યુદ્ધજહાજ સાથે યુદ્ધાભ્યાસ કર્યો : ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે નૌસેનાએ તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હી, તા.૧૦ :ભારતીય નેવી રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે સંકલ્પ અને દ્રઢતા સાથે સતત વિકસિત થઈ છે. તે લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખી અને મિશનના વિસ્તારની મર્યાદારને પૂરી કરવાની દિશામાં સતત તેની તાકાત વધારી રહી છે. તેને લઈને જ તે સતત યુદ્ધાભ્યાસ કરી રહી છે.

હવે ભારતીય નેવીએ દરિયાઈ વિસ્તારમાં નિરંતર હવાઈ સંચાલન સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. તેણે અરબ સાગરમાં ૩૫થી વધુ વિમાનો અને બે યુદ્ધજહાજવાળા કેરિયર બેટલ ગ્રૂપ (સીબીજી)નું સંચાલન કરી તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

ભારતીય નેવીએ તેની ફ્લિટના અનેક મોટા મોટા વિમાનોનું પ્રદર્શન કર્યું. નેવીએ અરબ સાગરમાં ૩૫થી વધુ વિમાનો અને બે યુદ્ધજહાજવાળા કેરિયર બેટલ ગ્રૂપનો યુદ્ધાભ્યાસ કર્યો.

સાથે જ દરિયામાં સુરક્ષા વધારવા માટે બે વિમાનવાહક આઈએનએસ વિક્રમાદિત્ય અને સ્વદેશી આઈએનએસ વિક્રાંત સાથે સાથે તેની ફ્લિટના જહાજો અને સબમરિનનું પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે આ બંને જહાજ હિંદ મહાસાગરની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(7:34 pm IST)