Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

બાળકોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મોત થવાનો કે ગંભીર માંદગીનો ભય નથી

૯૯.૯૯ ટકા બાળકો સરળતાથી સંક્રમણમાંથી બહાર આવી જાય છે

લંડન તા. ૧૦ : યુકેમાં સંશોધકોએ જાહેર આરોગ્યના ડેટાનું વિશદ વિશ્લેષણ કરી જણાવ્યું છે કે બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બની શકે છે. પરંતુ સમગ્રતયા આ જોખમો ઓછાં છે.

યુનિવર્સિટી કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને યુનિવર્સિટી ઓફ યાર્ક અને યુનિવર્સિટી ઓફ લિવરપુલના સંશોધકોની બનેલી ટીમે કરેલા અભ્યાસના પ્રાથમિક તારણો વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત યુકેના વિવિધ સત્તાવાળાઓને સુપરત કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર રસેલ વાઇનરે જણાવ્યું હતું કે આ નવો અભ્યાસ દર્શાવે છે કે બાળકો અને કિશોરોમાં કોરોનાના ચેપને કારણે મોત થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું છે. અમારા નવા તારણો મહત્વના છે કેમ કે તે કિશોરો અને બાળકોને યુકેમાં જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે રસી આપવાનો નિર્ણય લેવામાં ઉપકારક નીવડશે.

અન્ય એક સંશોધક ડો.જોસેફ વાર્ડે જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં જણાયું છે કે શ્વેતની સરખામણીમાં અશ્વેત બાળકોને આઇસીયુમાં દાખલ કરવાનું જોખમ વધારે રહે છે. જેમને ડાયાબિટિસ, અસ્થમા અને હ્ય્દયના રોગો હોય અથવા જેમને એક કરતાં વધારે બિમારીઓ હોય તેવા કિશોરોને આઇસીયુમાં સારવાર કરાવવાનું સૌથી વધારે જોખમ રહે છે.

ફેબુ્રઆરી ૨૦૨૧ સુધીમાં ઇંગ્લેન્ડમાં ૧૮ વર્ષ કરતાં ઓછી વયના ૨૫૧ કિશોરોને આઇસીયુમાં કોરોનાની સારવાર આપવામાં આવી હતી. સંશોધકોના મતે ૫૦,૦૦૦માંથી એક કિશોરને આઇસીયુમાં સારવાર આપવાની જરૂર પડી હતી. મેદસ્વિતાને કારણે કોરોનાની ગંભીર માંદગી થવાનું જોખમ કિશોરો અને બાળકો માટે  પણ રહેલું છે.

દરમ્યાન ફિલિપાઇન્સમાં કોરોના મહામારીને કારણે એક વર્ષ કરતાં વધારે સમયથી ઘરોમાં ગોંધાઇ રહેલા બાળકોને બગીચાઓ અને રમતના મેદાનોમાં રમવાની અને રેસ્ટોરાંમાં જવાની છૂટ આપવામાં આવી છે. જો કે તેમને મોલમાં જવાની પરવાનગી આપવામાં આવી નથી. ફિલિપાઇન્સમાં કોરોનાના કુલ ૧.૪૬ કેસ નોંધાયા છે અને ૨૫,૦૦૦ કરતા વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

દરમ્યાન કોરોનાની રસી બનાવતી કંપની ફાઇઝરે કોરોના વાઇરસના વેરિઅન્ટને કારણે સર્જાયેલા જોખમને પહોંચી વળવા માટે કોરોનાની રસીના બે ડોઝ ઉપરાંત છથી આઠ મહિને રસીના બૂસ્ટર ડોઝ આપવાની યોજના રજૂ કરી છે. ફાઇઝરે જણાવ્યું હતું કે પ્રવર્તમાન કોરોના રસીનો ત્રીજો ડોઝ માણસોને આપવાનું સલામત જણાયું છે.

(10:16 am IST)