Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૨૪ કલાકમાં કોરોનાથી ૧,૨૦૬ મોત : મહારાષ્ટ્ર અને કેરળમાં ચિંતા વધી

અત્યાર સુધી ૩,૦૭,૯૫,૭૧૬ કેસ નોંધાયા : ૨,૯૯,૩૩,૫૩૮ લોકો સાજા થયા : દેશમાં હાલ રિકવરી રેટ ૯૭.૨ ટકા થયો

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨,૭૬૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ૨૪ કલાકમાં ૪૫,૨૫૪ લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ ૪,૫૫,૦૩૩ એકિટવ કેસ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી ૩,૦૭,૯૫,૭૧૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૨,૯૯,૩૩,૫૩૮ લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ ૯૭.૨ ટકા થયો છે.

કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૧,૨૦૬ લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ ૧.૩ ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો ૪,૦૭,૧૪૫ થયો છે. હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ ૩૭,૨૧,૯૬,૨૬૮ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી ચૂકી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૫૬૩ નવા કેસ નોંધાય છે. આ દરમિયાન રાજયમાં ૧૩૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૯૯૨ કેસ નોંધાયા છે, જયારે ૭૩૮ લોકોનાં મોત થયા છે. તાલિમનાડુમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬૯ લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૮ લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૬ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯૬ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૩ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૬૧ ટકા છે. શુક્રવારે રાજયના ૧૬ જિલ્લા એવા હતા જયાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો.

(11:33 am IST)