Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ગોલ્ડ મેડલ જીતવા પર મળશે 3 કરોડનું ઇનામ : ટોક્યો ઓલિમ્પિકમાં જનારા દિલ્હીના ખેલાડીઓ માટે જાહેરાત

રજત ચંદ્રક જીતવા માટે 2 કરોડ અને કાંસ્ય પદક જીતવા બદલ 1 કરોડ રૂપિયાનું ઇનામ અપાશે

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓને સુવર્ણચંદ્રક જીતવા માટે 3 કરોડ, રજતચંદ્રક જીતવા માટે 2 કરોડ અને કાંસ્ય પદક જીતવા બદલ 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સાથે મેડલ જીતનારા ખેલાડીઓના કોચને 10 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2021 પહેલા, દિલ્હી સરકારે રાજ્યના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય યોજના બનાવી છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓને સુવર્ણચંદ્રક જીતવા માટે 3 કરોડ, રજતચંદ્રક જીતવા બદલ 2 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતવા માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.

આ સાથે મેડલ જીતનારા ખેલાડીઓના કોચને 10 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. દિલ્હીથી ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓમાં મણિકા બત્રા, દિપકકુમાર, અમોઝ જેકબ અને સાર્થક ભાંભરીનો સમાવેશ થાય છે.

ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત મણિકા બત્રા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દિપક કુમાર શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. દિલ્હીની ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજનો વિદ્યાર્થી અમોઝ જેકબ 4 × 400 મીટર રિલેમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. દિલ્હીનો સાર્થક ભાંભરી 4 × 400 મીટર રિલેમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું કે, ભાવિ ઓલિમ્પિયન ચેમ્પિયન બનાવવાની દિલ્હી ખાતે તૈયારીઓ જોર- શોરથી ચાલી રહી છે; અને અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવા માટે કોઈ કસર બાકી નહીં પડે. દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સીટી એવા ખેલાડીઓને તૈયાર કરવાનું કામ કરશે, જેઓ ઓલિમ્પિક રમતોમાં દેશ માટે મેડલ જીતશે.

સ્પોર્ટ્સ યુનિવર્સિટી દિલ્હીને સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવશે.આ દિશામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી, કોમ્યુનિટી સ્પોર્ટ્સ દ્વારા સમગ્ર દિલ્હીમાં રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરશે. જેથી દિલ્હી તેમજ સમગ્ર દેશમાં રમતગમત માટે વાતાવરણ ઉભું થાય. જેથી અમે 2048 માં ઓલિમ્પિક રમતો માટેના હોસ્ટિંગનો દાવો કરી શકીએ.

(1:15 pm IST)