Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અફઘાનિસ્તાનના ૮૫ ટકા વિસ્તારોમાં તાલિબાનનો કબજોઃ સૈનિકો સરહદ છોડીને ઈરાન ભાગી ગયા ગૃહયુદ્ઘનું જોખમ

કાબુલ, તા.૧૦: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરી રહ્યું છે ત્યાં જ સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. તાલિબાને દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના ૮૫ ટકા વિસ્તારો તેના કબજામાં છે. બીજી તરફ અફદ્યાનિસ્તાનના સૈનિકો ભાગીને ઈરાન જવા લાગ્યા છે. અફદ્યાનિસ્તાનમાં ગૃહયુદ્ઘનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મોસ્કો સ્થિત તાલિબાની પ્રતિનિધિ મંડળે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના ૩૯૮માંથી ૨૫૦ જિલ્લા તેના કબજામાં આવી ગયા છે અને અફદ્યાનિસ્તાનનો કુલ ૮૫ ટકા જેટલો વિસ્તાર તેના અંકુશમાં છે. તાલિબાનના પ્રવકતાએ મોસ્કોથી કહ્યું હતું કે ઈસ્લામ કિલા બોર્ડર હવે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણમાં છે.

જોકે, આ અંગે અફદ્યાનિસ્તાન સરકારે કોઈ સ્પષ્ટ સ્વીકાર કર્યો ન હતો, પરંતુ સૈન્ય અધિકારીઓએ કહ્યંલ હતું કે તાલિબાન સામે સૈન્ય લડત આપી રહ્યું છે. અફઘાનિસ્તાનની સરકારના પ્રવકતાએ કહ્યું હતું કે બોર્ડર યુનિટ બધા જ પોઈન્ટ પર તૈનાત છે. તાલિબાને જે પ્રદેશો મેળવ્યા છે તેને કબજે કરવા અફઘાનિસ્તાન સૈન્ય પૂરતા પ્રયાસો કરે છે.

તાલિબાન અને અફદ્યાન સૈન્યના દાવા વચ્ચે ઈરાને દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી ભાગીને સૈનિકો ઈરાનમાં આવી રહ્યા છે. ઈરાનના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે સરહદી વિસ્તારોનો કબજો તાલિબાને લઈ લીધો હોવાથી અફદ્યાનિસ્તાનના સૈનિકો ઈરાનમાં બચીને આવી રહ્યા છે. જીવ બચાવીને અફદ્યાન સૈનિકો ઈરાન પહોંચી રહ્યા હોવાના અહેવાલોથી તાલિબાન સામેની અફદ્યાન સૈન્યની લડાઈ નબળી પડે તેવી પૂરી શકયતા છે. ઈરાન તાલિબાન અને અફદ્યાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા કરાવવાની કોશિશ કરતું હોવાનો દાવો પણ મીડિયા રીપોર્ટ્સમાં થયો હતો.

તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની ત્રીજી સરહદનો કબજો લઈ લીધો હતો. અગાઉ તાલિબાને તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને લગતી સરહદી પોસ્ટનો કબજો લીધો ત્યારે અફઘાન સૈનિકો તાજિકિસ્તાન અને ઉઝબકિસ્તાન નાસી ગયા હતા. તાલિબાને ઈરાનને લગતી સરહદે પણ કબજો કરી લીધો હોવાના દાવા પછી સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.

પાકિસ્તાને વિશ્વના શકિતશાળી દેશોને સહકાર આપવાની વિનંતી કરી હતી. અફઘાનિસ્તાનના પાડોશી પાકિસ્તાને દહેશત વ્યકત કરી હતી કે ટૂંક સમયમાં અફઘાનિસ્તાન ગૃહયુદ્ઘમાં સપડાઈ જશે. ગૃહયુદ્ઘની ભયાનક સ્થિતિ ટાળવા માટે બધા દેશોએ સહકાર આપવો જોઈએ. પાક. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સંસદની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સંબોધન કર્યું હતું. એ વખતે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે જો અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ઘ ફાટી નીકળશે તો પાકિસ્તાનમાં શરણાર્થી કટોકટી સર્જાઈ જશે. આ સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ પ્રયાસો કરવા પડશે.

(3:02 pm IST)