Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કેન્દ્રીય કૃષિ કાયદાનાં વિરોધમાં હરિયાણામાં ભાજપના મંત્રી મુલચંદ શર્મા પહોંચે તે પહેલા પોલીસ અને ખેડૂતો સામ-સામેઃ બેરિકેડ તોડીને પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ

કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોની નારાજગી વધતી જઈ રહી છે. આ વચ્ચે શનિવારે (10 જૂલાઈ)એ હરિયાણાના યમુનાનગરમાં પ્રસ્તાવિત બીજેપીની બેઠકના વિરોધમાં ખેડૂતોએ હંગામો કર્યો. બેઠકમાં હરિયાણાના પરિવહન મંત્રી મૂલચંદ શર્માને આવવાનું હતુ પરંતુ તેના પહેલા જ પોલીસ અને ખેડૂતો સામ-સામે આવી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, બીજેપીની બેઠકમાં મંત્રી મૂલચંદ શર્મા, કંવર પાલ ગુર્જર અને પાર્ટી નેતા રતનલાલ કટારિયા સહિત તમામ નેતાઓ આવવાના હતા. પરંતુ બીજેપી નેતાઓને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. ગુસ્સે થયેલા ખેડૂતોએ ટ્રેક્ટરથી બેરિકેડ તોડી દીધા. અનેક ખેડૂત બેરિકેડ ઉપર ચડી ગયા અને પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ કરવા લાગ્યા હતા.

ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. બંને પક્ષ સામ-સામે આવી ગયા હતા. અથડામણની આશંકાને જોતા પોલીસ ફોર્સને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓએ ખુબ જ મહેનત કરીને ટ્રેક્ટરો અને ખેડૂતોને આગળ જતા રોક્યા હતા.

આશીષ ચૌધરી (ડીએસપી, બિલાસપુર)એ કહ્યું કે, પોલીસ બેરિકેડિંગને ટ્રેક્ટરથી ટક્કર મારનારાઓ પર કાર્યવાહી કરશે. જોકે, હાલમાં પોલીસે સ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો છે.

(4:01 pm IST)