Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જમ્મુ-કાશ્મીરમાં ૧૧ સરકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

જમ્મુ-કાશ્મીરમાં ગદ્દારોનો સફાયો કરતી સરકાર : આતંકીઓ સાથે સંપર્ક રાખનાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી ટર્મિનેટ કરવા માટે ઉપરાજ્યપાલનો આદેશ

શ્રીનગર, તા.૧૦ : જમ્મુ-કાશ્મીર થી આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. સુરક્ષાદળોના જવાન આતંકીઓનો સફાયો કરી રહ્યાં છે તો સરકારી નોકરીઓમાં રહેલા 'ગદ્દારો'ને પણ શોધી-શોધીને બેરોજગાર કરવામાં આવી રહ્યાં છે.  પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના આદેશ પર વિભિન્ન વિભાગોમાં કાર્ય કરી રહેલા ૧૧ સરકારી કર્મચારીઓને સેવામાંથી ટર્મિનેટ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી નિવૃત શેષ પોલ વૈદ્યે સરકારની આ કાર્યવાહીનું સમર્થન કર્યુ છે. વૈદ્યે ટ્વીટ કરી કહ્યુ- આતંકીઓ સાથે સંપર્ક રાખનાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી ટર્મિનેટ કરી જમ્મુ-કાશ્મીર તંત્રએ યોગ્ય પગલું ભર્યું છે. પ્રદેશમાં આ પ્રકારની કઠોર કાર્યવાહીની જરૂર લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.

નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા ૧૧ કર્મચારીઓમાં બે સરકારી ટીચર છે. આ બંને અનંતનાગ જિલ્લામાં તૈનાત હતા અને આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કરના રૂપમાં કામ કરતા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસના બે સિપાહીઓને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તે બંને આતંકીઓને સુરક્ષાદળોના ઓપરેશનોની ગુપ્ત જાણકારી લીક કરવાનું કામ કરતા હતા.

સૂત્રો પ્રમાણે ટર્મિનેટ થનારા કર્મચારીઓમાં અનંતનાગ જિલ્લાથી ૪, બડગામથી ૩, બારામૂલા, શ્રીનગર, પુલવામા અને કુપવાડા જિલ્લામાંથી ૧-૧ કર્મચારી સામેલ છે. વિભાગવાર વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં કામ કરતા ૪ કર્મચારી, પોલીસ વિભાગના ૨ અને કૃષિ, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર, પાવર એસકેઆઈએમએસ અને સ્વાસ્થ્ય વિભાગના ૧-૧ કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

(8:38 pm IST)