Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સંઘ બનશે હાઈટેક : આઈટી સેલ શરુ કરશે: સરકારની ઈમેજ બનાવવા અભિયાન ચલાવશે

દરેક સ્વયં સેવક સોશિયલ મીડિયામાં જોડાશે :સોશિયલ મીડિયાના યુઝ માટે સ્વયંસેવકોને તાલીમ અપાશે :આ સ્વયંસેવકો ડિજિટલ વોલિએન્ટર્સ તરીકે ઓળખાશે

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ ભાજપની જેમ બહુ જલ્દી હાઈટેક બનશે  ભાજપની જેમ  આરએસએસ પણ પોતાનો આઈટી સેલ શરુ કરશે અને તેના થકી દરેક સ્વયં સેવક સોશિયલ મીડિયા સાથે જોડાશે તેમજ પોતાની વાત રજૂ કરશે. સામાન્ય રીતે સંઘ અને તેના સ્વયંસેવકો અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દુર રહ્યા છે પણ કેટલાક મહિનાઓમાં સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળશે.

સંઘ દેશના ઘણા ખરા હિસ્સામાં શાખા ચલાવીને અથવા તો પોતાના સેવા કાર્યો થકી જ પોતાના વિચારોને મુકી શકે છે.તેની પાસે પોતાની વાત રજૂ કરવા માટે બીજુ કોઈ માધ્યમ નથી. આ સંજોગોમાં હવે સંઘને સોશિયલ મીડિયા સાથે જોડાવાની જરુર લાગી રહી છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાય.

સંઘના મોટા પદાધિકારીઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા તો છે પણ એક્ટિવ નથી. આ સંજોગોમાં હવે આઈટી સેલ બનાવીને સંઘ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે લોકોને પોતાના વિચારો સંતોષજનક રીતે સમજાવશે અને આરએસએસ માટે ઘણા લોકોમાં જે ભ્રમ ફેલાયેલો છે તે દુર કરવાનો પ્રયાસ કરશે.સોશિયલ મીડિયાના યુઝ માટે સ્વયંસેવકોને તાલીમ પણ આપવામાં આવશે. આ સ્વયંસેવકો ડિજિટલ વોલિએન્ટર્સ તરીકે ઓળખાશે. તેઓ સંઘની શાખાના સ્વયંસેવકો સાથે ઓનલાઈન જોડાશે અને સૂચનાઓની આપલે કરશે.

હાલમાં આરએસએસની ચિંતન બેઠક ચિત્રકૂટમાં ચાલી રહી છે. આગામી વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થવાની ત્યારે બેઠકમાં નક્કી કરાયુ છે કે, કેન્દ્ર સરકારની ઈમેજ બનાવવા માટે સંઘના સ્વયંસેવકો નવરાત્રીથી અભિયાન શરુ કરશે.

(11:27 pm IST)