Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સી. આર. પાટીલને કોરોના પોઝીટીવ :હોસ્પિટલ સૂત્રોએ સ્વીકાર્યું

ડેપ્યુટી મેયર દિનેશભાઇ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા

અમદાવાદઃ  ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને કોરોના કન્ફર્મ થઈ ગયો છે, હોસ્પિટલના સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું હતું. સોમવાર બપોર સુધીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની હકીકત વાયુવેગે પ્રસરી ગઇ હતી. જો કે તેમણે તેમની તબિયત સારી છે. તેઓનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાનો ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નહીં હોવાનું ટવીટ કર્યું હતું.

સાંજે તેમના દિકરાંએ પિતા સી.આર. પાટીલને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની ટવીટ કરી હતી. આમ અસંમજસભરી પરિસ્થિતિ ઊભી થઇ હતી. જો કે આજે તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું હોસ્પિટલ સૂત્રોએ સ્વીકાર્યું છે. તેની સાથે જ રેપિડ એન્ટિજન ટેસ્ટ સામે પ્રશ્ન ઊભો થયો છે.

સી. આર. પાટીલના રિપોર્ટ પ્રકાશમાં આવતાંની સાથે તેમની સાથે પ્રવાસમાં ગયેલા ભાજપના આગેવાનો તેમ જ કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. તેઓ પણ આપમેળે કવોરોન્ટાઇન થઇ ગયા છે. કેટલાંકે રિપોર્ટ પણ કઢાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે આ બાબતે કોઇ બોલવા તૈયાર થતું નથી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશભાઇ મકવાણાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. ડેપ્યુટી મેયર અગાઉ અત્યાર સુધીમાં 25થી વધુ કોર્પોરેટરો કોરોનાની ઝપટમાં આવ્યા હતા. જેમાં બે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું છે.

આ ઉપરાંત શહેરના ચાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૈહાણ તથા બલરામ થાવાણીનો સમાવેશ થાય છે. શહેરમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે છેલ્લાં કેટલાંક દિવસથી સુપર સ્પ્રેડર્સસહિત ધાર્મિક સંસ્થાઓમાં પરીક્ષણ શરૂ કર્યુ છે.

આ સિવાય તેણે એ.એમ.ટી.એસ. બસના ડ્રાયવરો, બાંધકામ સાઇટ પરના મજુરો/ કામદારો ઉપરાંત કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ તેમ જ શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સંસ્થાના સ્વામીથી માંડીને હરિભક્તો વગેરેનો ટેસ્ટ કર્યો હતો. કોર્પોરેશને છેલ્લાં બે દિવસથી કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેઇનમાં અમદાવાદ આવતાં મુસાફરોના ટેસ્ટ શરૂ કર્યા છે.

બીજી તરફ એક પછી એક રાજકીય આગેવાનો કોરોનાના સપાટામાં આવતા જાય છે. આ અગાઉ અમદાવાદ શહેરના જ 25થી વધુ કાઉન્સિલરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે બે કોર્પોરેટરો બદ્દરૂદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું હતું. જયારે ચારથી વધુ ધારાસભ્યો કોરોનાના સંકજામાં ઝડપાયા હતા. તો બે સાંસદ ડો. કિરીટ સોંલકી તેમ જ સોમવારે અમદાવાદ ( પૂર્વ )ના સાંસદ હસમુખ પટેલ તથા તેમના પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ તબક્કાવાર ધોરણે પ્રજાના સંસર્ગમાં આવવાના કારણે રાજકીય આગેવાનો કોરોના પોઝિટિવ થવા લાગ્યા છે.

બાકી હતું તો હવે રાજકીય પક્ષની ઓફિસમાં કોરોનાનો પગપેસારો થયો છે. ભાજપ કાર્યાલય મંત્રી પરેશ પટેલ ( મામા )થી શરૂઆત થઇ હતી. ત્યારબાદ પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા ઉપરાંત બે સફાઇ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાં ભાજપના પ્રવકતા ભરત પંડયાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

(12:00 am IST)