Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રેકોર્ડ બ્રેક : ૨૪ કલાકમાં ૯૫૭૩૫ કેસ : કુલ મૃત્યુઆંક ૭૫૦૬૨

ભારતમાં કોરોના બિહામણી રીતે ધૂણી રહ્યો છે : કુલ કેસ ૪૪,૬૫,૮૬૩ : એકટીવ કેસ ૯,૧૯,૦૧૮ : રીકવરીના મામલામાં ભારત બીજા ક્રમે : ૩૪,૭૧,૭૮૪ લોકો સાજા થયા : મહારાષ્ટ્રમાં મરણાંક ૨૭૭૮૭ અને કેસ ૯,૬૭,૩૪૯

નવી દિલ્હી તા. ૧૦ : ભારતમાં કોરોના વાયરસ કુદકેને ભુસકે બિહામણો બની રહ્યો છે અને કુલ સંક્રમિતોનો આંકડો ૪૪,૬૫,૮૬૩ થયો છે. છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાએ રેકોર્ડ સર્જી નાખ્યો છે અને ૯૫,૭૩૫ નવા દર્દીઓ મળ્યા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં મળેલા કેસનો આ સૌથી ઉંચો આંકડો છે. આ પહેલા ૬ સપ્ટેમ્બરના રોજ ૯૩૭૨૩ નવા દર્દી બહાર આવ્યા હતા.

દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં ૭૫,૦૬૨ લોકોને પોતાના મુખમાં લઇ લીધા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭૨ લોકોના મોત થયા છે. જો કે સારા સમાચાર છે કે ભારત હવે દુનિયાનો બીજો દેશ બની ગયો છે જ્યાં સૌથી દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં ૩૪૭૧૭૮૪ લોકો રીકવર થઇ ચૂકયા છે. રીકવરીના મામલામાં બ્રાઝીલ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતમાં હજી ૯,૧૯,૦૧૮ એકટીવ છે.

ભારતમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા રેકોર્ડ સ્તર પર વધી રહી છે. દુનિયાના ૫૪ ટકા એટલે કે ૧.૫૨ કરોડ લોકો માત્ર અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં સંક્રમિત થયા છે. એટલું જ નહીં વિશ્વના ૪૪ ટકા એટલે કે ૩.૯૯ લાખ લોકોના મોત આ જ ત્રણ દેશોમાં થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૯૬૭૩૪૯ કેસ આવ્યા છે અને ૨૭૭૮૭ લોકોના મોત થયા છે. જ્યારે તામિલનાડુમાં ૮૦૯૦, યુપી ૪૧૧૨, પ.બંગાળમાં ૩૭૩૦, આંધ્રમાં ૪૬૩૪, દિલ્હીમાં ૪૬૩૮, ગુજરાતમાં ૩૧૪૯, કર્ણાટકમાં ૬૮૦૮ લોકોના મોત થયા છે.

(10:37 am IST)