Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મા-બાપને પણ અધિકાર નથી કોર્ટ

વયસ્ક યુવક - યુવતિના ભાગીને લગ્ન કરવા પર હસ્તક્ષેપ કરવાનો

પ્રયાગરાજ તા. ૧૦ : અલ્હાબાદ હાઇકોર્ટે ઘરેથી ભાગીને લગ્ન કરનાર વયસ્ક દંપતિને ઉત્પીડન સામે સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે ૨૦૧૮માં પોસ્કો એકટ હેઠળ ચાલી રહેલો કેસ કાયદા મુજબ નિર્ણીત કરવામાં આવે. કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા કહ્યું છે કે જો છોકરો - છોકરી બંને વયસ્ક હોય તો તેઓ પોતાની ઇચ્છા અનુસાર રહી શકે છે. માતા-પિતા સહિત કોઇપણને તેમના વિવાહિત જીવનમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

આ આદેશ જસ્ટીસ ડોકટર કે જે ઠાકુરે કાનપુર શહેરની રહીશ પ્રિયા વર્મા અને અન્યની અરજી પર આપ્યો છે. કોર્ટે કહ્યું કે, અત્યારે બંને વયસ્ક છે. એફઆઇઆર નોંધતી વખતે તેઓ સગીર હતા તેનાથી તેમના વિવાહિત જીવનમાં હવે કોઇ ફરક નહીં પડે.

કોર્ટે કહ્યું છે કે જો કોઇ આ અરજદારોને હેરાન કરે તો તેઓ પોલિસ સંરક્ષણ માંગે અને પોલિસ તેમને સંરક્ષણ આપે. કોર્ટે કહ્યું કે જો પરિવારના લોકોને લાગતું હોય કે આ આદેશ બોગસ દસ્તાવેજોના આધારે લેવાયો છે તો તેઓ આ આદેશ પાછો ખેંચવાની અરજી કરી શકે છે.

(10:37 am IST)