Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ રેમ્ડેસિવિર

ભારત સહિત ૧૨૭ દેશોમાં કોવિડ-૧૯ના સારવારમાં કામ આવતી આ દવાઃ ૧૦૦ મિલિગ્રામની નાની બોટલમાં મળશે રેડા-એકસ

હૈદરાબાદ,તા.૧૦: દેશમાં વધતા કોરોના કેસ મામલે સરકારની ચિંતા વધારી છે. પરંતુ આ વચ્ચે ઔષધિ ક્ષેત્રની કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં કોવિડ-૧૯ સંક્રમિતની સારવાર માટે રેમ્ડેસિવિર દવાને બજારમાં જાહેર કરવાની જાહેરાત કરી. આ દવા રેડા-એકસ બ્રાન્ડ નામ અંતર્ગત ઉપલબ્ધ થશે.દવા કંપની તરફથી એક અખબારી યાદી બહાર પાડી કહેવામાં આવ્યું છે કે, આ દવા ગિલિડ સાયન્સિસ ઇન્ક (ગિલિડ)ની સાથે લાયસન્સ વ્યવસ્થા અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ગિલિડે ડો. રેડ્ડીઝ લેકને રેમ્ડેસિવિરને નોંધણી, ઉત્પાદન અને વેચાણનો અધિકાર આપ્યો છે. તેના અંતર્ગત અધિકાર ભારત સહિત ૧૨૭ દેશોમાં કોવિડ-૧૯ના સંભવિત સારવારના કામ આવતી આ દવા માટે આપવામાં આવ્યો છે.ભારતના ડ્રગ નિયંત્રક (ડીસીજીઆઇ)એ રેમ્ડેસિવિરનો ઉપયોગ ભારતમાં કોવિડ-૧૯ના ગંભીર લક્ષણવાળી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કટોકટીની પરિસ્થિતિમાં કરવાની મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું છે, ડો. રેડ્ડીઝની રેડા-એકસ ૧૦૦ મિલિગ્રામની નાની બોટલમાં મળશે.

ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના બ્રાન્ડેડ માર્કિટ્સ (ભારત અને ઉભરતા બજારો)ના મુખ્ય કાર્યકારી અધિકારી એમ વી રમન્નાએ કહ્યું, અમે એવા ઉત્પાદોને વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં બીમારોની જરૂરીયાતનું સમાધાન કરવામાં આવી શકે. રેડા-એકસને બજારમાં ઉતારવું ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓની સારવાર માટે મહત્વપૂર્ણ દવા રજૂ કરવાની અમારી પ્રતિબદ્ઘતાને દર્શાવે છે.

(11:34 am IST)