Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

આગામી પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી વધી શકે છે

પેરિસ સમજૂતિ નિષ્ફળ

યુ.અન તા. ૧૦ : દુનિયાના નેતાઓએ પાંચ વર્ષ પહેલા પૃથ્વીનું ઉષ્ણતામાન વધવાની જે લીમીટ નક્કી કરી હતી, વિશ્વ હવે તેની પાર પહોંચવાની નજીક છે. આ માહિતી સંયુકત રાષ્ટ્રના એક નવા રિપોર્ટમાં અપાઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આવતા પાંચ વર્ષમાં વિશ્વનું તાપમાન ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ વધી શકે છે. આ પહેલા આટલા સમયગાળામાં તાપમાનમાં આટલો વધારો કયારેય નથી થયો. ૨૦૧૮માં પણ સંયુકત રાષ્ટ્ર તાપમાન વધવા અને તેની સાથે જોડાયેલ જોખમો પર દુનિયાને જણાવી ચૂકયું છે.

આ વર્ષની શરૂઆતમાં ડેથ વેલીના નામે ઓળખાતી ખીણનું તાપમાન ૫૪.૪ ડીગ્રી સે. સુધી પહોંચ્યું હતું. અમે વિશ્વના સૌથી ઠંડા પ્રદેશોમાં સામેલ સાઇબીરીયામાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી સે. રહ્યું હતું.

અમેરિકાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીની નોહ ડિફેનબાઉ અનુસાર ઉષ્ણતામાનમાં આ વધારો અપ્રત્યાશિત છે અને તે ઇતિહાસની ઉલ્લેખનીય ઘટનાઓથી વધારે ખરાબ અનુભવ આપણને કરાવી શકે છે. અમેરિકાના પશ્ચિમી ભાગ અને કેલિફોર્નિયામાં હાલના મહિનાઓમાં વધેલું તાપમાન ભવિષ્યના ખરાબ અનુભવોનો સંકેત આપી રહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં વધેલ તાપમાન માટે માનવ અને પ્રકૃતિ સરખા જવાબદાર છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના મહાસચિવ પેટ્રી તલાસ અનુસાર જોખમ દર વર્ષે ૧.૫ ડીગ્રી સે. વધવાનું પણ છે. કેમકે માનવજાતના કાર્યોથી પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે. હવે તે પણ તાપમાન વધારવામાં સહીયારી ભૂમિકા ભજવી રહી છે. આ સ્થિતિમાં તાપમાનમાં વધારાને બમણી ઝડપ મળી શકે છે.

(3:12 pm IST)