Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગુજરાતીઓનું વધુ વજન અને ડાયાબિટીઝ કેમ હોય છે? અભ્યાસમાં શું બહાર આવ્યું?

એક ચોકકસ પ્રકારનું જેનેટીક વેરિએશન મળ્યું

નવી દિલ્હી, તા.૧૦: ગુજરાતીઓના જિન્સમાં એક ફેરફાર થયો છે જેના કારણે ગુજરાતીઓ સૌથી વધુ ડાયાબિટિઝની બીમારી માટે સરળ શિકાર બની જાય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ જયારે પોતાનું વજન વધારી લે છે ત્યારે આ સમસ્યા વધે છે. તાજેતરમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં પહેલીવાર આ બાબત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ એડિપોનેટીનમાં મળી એક ચોક્કસ પ્રકારનું જેનેટિક વેરિએશન મળી આવ્યું છે. જે ફેટ ટીશ્યુમાં મળી આવેલું પ્રોટિન હોર્મોન છે. આ વધારે પડતા વજનથી થતા ટાઇપ-૨ ડાયાબિટિઝ સાથે જોડાયેલું છે.

વૈજ્ઞાનિકોએ આ ખાસ પ્રકારના નવા જેનેટિક વેરિએશનને ઓળખ આપતા એક નંબર આપ્યો છે. આ નવા વેરિએશન rs17846866 અને rs1501299 જયારે સામાન્ય વ્યકિતઓ અને ડાયાબિટિઝના દર્દીઓ વચ્ચે એડિપોનેટિન પ્રોટિનના જિન્સની ચકાણસી કરવામાં આવે ત્યારે ડાયાબિટિક વ્યકિતમાં ૨.૩ ગણા વધારે જોવા મળે છે.

અભ્યાસમાં પહેલીવાર ગુજરાતીઓની જેમ જુદા જુદા વંશિયતાના લોકોનો તેમના સ્પેસેફિક એઢપોનેટિન જેનેટિક વેરિએશનના આધારે દર્શાવવામાં આવ્યા જેમાં ડાયાબિટિઝની શકયતા વધારે છે. આ સંશોધન લેખ નેચરલ જર્નલસ સાયન્ટિફિક રિપોર્ટસમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ એટલા માટે પણ મહત્વનું છે કે ગુજરાતમાં ખૂબ જ વધારે પડતા ડાયાબિટિઝના કેસ જોવા મળે છે જે મેટાબોલિક સિન્ડ્રોમના કારણે વધારે પડતા વજનને કારણે છે. સાથે જ જમ્મુ કાશ્મીરના રહેવાસીઓમાં પણ કરવામાં આવેલ અભ્યાસ મુજબ ફકત rs266729 નામનું જ જેનેટિક વેરિએશન જોવા મળ્યું છે જે ડાયાબિટિઝ સાથે જોડાયેલું છે. આ સામાન્ય લોકો કરતા ૧.૩ ગણું વધારે જોવા મળ્યું હતું.

નેચર જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યા મુજબ તેના સમાન જ જેનેટિક કોડ વેરિએશન અથવા તો સિંગલ ન્યુકલોટાઇડ પોલિમોર્ફિસ પણ ગુજરાતીઓના શરીરમાં શરીરમાં બ્લડ શૂગર, BMI, ફેટ અને ટોટલ કોલેસ્ટરોલ લેવલ વધારવા માટે જવાબદાર છે.

આ શોધકર્તાઓની ટીમાં વડોદરા એમએસ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી અને ઝુઓલોજી ડિપાર્ટમેન્ટ, કટરા SMVD યુનિવર્સિટીના હ્યુમન જેનેટિકસ રિસર્ચ ગ્રુપ અને સ્કુલ ઓફ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ઓફ જમ્મુના સંશોધકો સામેલ થયા હતા. તેમણે આ સંશોધન માટે બે જુદા જુદા ગ્રુપનો અભ્યાસ કર્યો હતો. જેમાં એક ગ્રુપમાં ૪૭૫ ડાયાબિટિઝના દર્દીઓ હતા અને ૪૯૩ બિલકુલ સ્વસ્થ વ્યકિતઓ ગુજરાતમાંથી સામેલ હતા. જયારે બીજા ગ્રુપમાં જમ્મુ કાશ્મીરના ઉત્તર વિસ્તારોના ૫૦૭ ડાયાબિટિઝ પેશન્ટ અને ૩૦૦ જેટલા સ્વસ્થ વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ વ્યકિતઓ ૩૦થી ૬૭ વર્ષની ઉંમરના હતા.

આ સંશોધકોની ટીમમાં એમએસ યુનિવર્સિટીના સાયન્તાની પાટીલ, એવી રામચંદ્રન, નિરાલી રાઠવા, રોમા પટેલ, શાહનવાઝ જાડેજા. જમ્મુના સ્વરકાર શર્મા, અંકિત મહાજન અને મનોજ ધાર સામેલ હતા. એડિપોનેટિન લોહીમાં ત્રણ જુદા જુદા પ્રકારે વહે છે અને આપણા શરીરની મેટાબોલિઝમને રેગ્યુલેટ કરે છે. તેમજ ટાઇપ -૨ ડાયાબિટિઝ અને ઓબેસિટી પણ એકબીજા સાથે ખૂબ જ સંલગ્ન છે.

(3:56 pm IST)