Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શિરડી સાંઇ મંદિર તિરૂપતિ ટ્રસ્ટ પાસેથી ટિપ્સ લેશેઃ કામાખ્યાનાં દર્શન બંધ રહેશે

ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ સન્નાટો, શ્રાદ્ધના દિવસોમાં અહીં લાખો લોકો આવે છે

શિરડી તા. ૧૦: મહારાષ્ટ્રના શિરડી સાંઇ મંદિરમાં દર્શન શરૂ કરવાને લઇને તૈયારીઓ ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ આ માટે તિરૂમાલા પિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસેથી સલાહ પણ લઇ રહ્યું છે. બંને ટ્રસ્ટોની હાલમાં જ વાત થઇ છે. તિરૂપતિ  ટ્રસ્ટ પણ તેને લઇને ઉત્સાહિત છે. તિરૂપતિ અને શિરડી બંને લોકો માટે આસ્થાનાં કેન્દ્ર છે. બંને દેશના સૌથીઅમીર ધર્મસ્થળોમાં સામેલ છે. આસામનાં પ્રખ્યાત કામાખ્યા શકિતપીઠમાં હજુ માત્ર મંદિરની પરિક્રમા શરૂ કરવા પર સહમતિ સધાઇ છે, મંદિરનું ગર્ભગૃહ હાલમાં બંધ જ રહેશે.

તિરૂપતિ ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર સરકાર જયારે પણ મંદિર ખોલવાની અનુમતિ આપશે ત્યારે તિરૂપતી ટ્રસ્ટ શિરડીમાં દર્શન વ્યવસ્થા શરૂ કરવા માટે પુરૃં માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે શિરડી સાંઇ મંદિર ૧૭ માર્ચથી જ બંધ છે. અહીં કોરોનાથી પહેલાં રોજ લગભગ ૬૦,૦૦૦ શ્રદ્ધાળુઓ આવતા હતા. ગુરૂપૂર્ણિમા કે અન્ય તહેવારોમાં અહીં દર્શન કરનારા લોકોની સંખ્યા એક લાખથી વધુ થઇ જતી હતી. લોકડાઉન દરમિયાન પણ શિરડી મંદિરને ઓનલાઇન ર.પ કરોડનું દાન મળ્યું હતું.

આસામનું કામાખ્યા મંદિર શરૂ થવાને લઇને હજુ  સુધી કોઇ સહમતિ સધાઇ નથી. આસામમાં અત્યાર સુધીમાં ૧.૩૦ લાખ કેસ આવી ચુકયા છે. કામરૂપ જિલ્લો કોરોનાનું હોટ સ્પોટ બની ચુકયો છે. જયોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર ખોલવાને લઇને પણ સતત દબાણ ચાલી રહ્યું છે. અહીં શ્રાદ્ધમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ખાસી હોય છે. દર વર્ષે લગભગ પ લાખ લોકો શ્રાદ્ધ પક્ષમાં આવે છે, પરંતુ આ વર્ષે અહીં સન્નાટો છે.

(3:56 pm IST)