Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુપ્રીમકોર્ટના ચુકાદાથી મોદી સરકારની ચિંતા વધી : પાટીદાર આંદોલન સામે પ્રશ્નાર્થ

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને ૧૩ ટકા અનામત સામે સ્ટે આવતા સવર્ણોમાં આર્થિક નબળા વર્ગને 10 ટકા અનામત પણ ગેરકાયદે ઠરે તેવી ભીતિ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને ૧૩ ટકા અનામત સામે સ્ટે આપતા મોદી સરકાર અને ભાજપની ચિંતા વધી છે મરાઠા અનામત ગેરકાયદેસર ઠરે તો મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) માટે કરેલી ૧૦ ટકા અનામત પણ ગેરકાયદેસર ઠરે. ગુજરાતમાં પણ ઈડબલ્યૂએસનો મોદી સરકારે લાભ આપી દઈ પાટીદાર અનામત આંદોલનને શાંત કરી દીધું છે. સુપ્રીમના આ ચૂકાદાને પગલે આગામી દિવસોમાં મોદી સરકારે મારેલો આ માસ્ટરસ્ટ્રોક ઉંઘો પડી શકે છે. ગુજરાત સહિત બંગાળ અને યુપીની સામે ચૂંટણી છે. જેથી ભાજપ અને મોદી સરકાર બંને માટે ચિંતા વધી છે.

સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સાહની કેસમાં ઠરાવેલું કે, અનામતનું પ્રમાણ કોઈ પણ સંજોગોમાં પચાસ ટકાથી વધવું ના જોઈએ. મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ (એસઈબીસી)માં ગણીને ૧૩ ટકા અનામત અપાતાં અનામતનું પ્રમાણ ૬૨ ટકાની આસપાસ થઈ જતાં મરાઠા અનામતને પડકારાઈ છે. સુપ્રીમે આ દલીલને માન્ય રાખીને સ્ટે પણ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે શિક્ષા અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે અનામતની જોગવાઇ કરવા સંબંધી મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૮ના કાનુનના અમલ પર ગઈકાલે રોક લગાવી દીધી હતી. અદાલતની ત્રણ સભ્ય બેંચે મરાઠા અનામતનો મામલો મોટી બેંચને સોંપી દીધો. મુખ્ય ન્યાયાધીશ નવી બેંચની રચના કરશે. સુપ્રીમ અદાલત મહારાષ્ટ્રમાં શિક્ષા અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાય માટે અનામતની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ એસ રવીન્દ્ર ભટ્ટની બેંચમાં મામલો મોટી બેંચને મોકલતા કહ્યું કે ૨૦૧૮ના કાનુનની જે લોકો લાભ ઉઠાવી ચુકયા છે તેમની સ્થિતિમાં કોઇ પરિવર્તન કરવામાં આવશે નહી. હવે મોટી બેંચ તેના પર વિચાર કરશે કે શું સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની સીમાથી વધુ થઇ શકે છે. ૧૯૯૨માં ઇન્દિરા સાહની મામલામાં સુપ્રીમ કોર્ટની નવ જજોની બેંચે નિર્ણય આપ્યા બાદ અનામતની સીમાને ૫૦ ટકા કરી દેવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર સરકાર ૫૦ ટકાથી વધુ અનામત આપી શકતી નથી.

મોદી સરકારે પાટીદાર, જાટ વગેરે સમાજના અનામત આંદોલનોને શાંત પાડવા માટે ઈડબલ્યુએસ અનામત આપી છે. હવે આ અનામત રદ થાય તો આ આંદોલનો પાછાં શરૂ થાય. બિહારમાં તો નવેમ્બરમાં ચૂંટણી પતી જશે પણ એ પછી પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં આગામી બે વર્ષમાં આવનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાજપને આ મુદ્દો નડી શકે છે.

મોદી સરકારના આ પગલાને માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું હતું. 13 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધા બાદ હવે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધુ હતું. હવે સુપ્રીમના એક ચૂકાદાએ આજે ફરી અનામતનું ભૂત ધૂણાવ્યું છે. આ મામલે હજુ કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી કારણ કે આ મામલો મોટી બેંચ સમક્ષ ગયો છે પણ મરાઠા મામલે ચૂકાદો વિરોધમાં ગયો તો પાટીદારોને પણ અનામત મળે તેવી કોઈ સંભાવના નથી

નોંધનીય છે કે બિલ મુજબ અનામતના ફોર્મ્યુલા 50% + 10%નો હશે. જે લોકોને આવક વાર્ષિક 8 લાખથી ઓછી હશે તેમને અનામતનો લાભ મળશે. જે સવર્ણો પાસે ખેતી માટે 5 એકરથી ઓછી જમીન હશે તેમને અનામતનો લાભ મળશે. આ ઉપરાંત જે સવર્ણો પાસે બિન સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 200 ગજથી ઓછાના રહેણાંક પ્લોટ હશે તેમને પણ અનામતનો લાભ મળી શકશે.

(1:23 am IST)