Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

હાર સ્વિકારવાની જમાઈની વિનંતીને ડોનાલ્ડ ટ્રમ્પે ઠુકરાવી દીધી

ટ્રમ્પ હજુ પરાજય સ્વિકારવા તૈયાર નથી : પેટાઃ પિતાના વર્તનના કારણે દીકરી ઈવાંકા પણ પરેશાન, પરિવારમાં જ બે ફાંટા પડી ગયા હોવાના સમાચાર

વોશિંગ્ટન, તા. : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનની જીત થઈ ગઈ છે. આમ છતાં ટ્રમ્પ પોતાની જીતને સ્વીકારવા માટે તૈયાર નથી. આવામાં ટ્રમ્પે કોર્ટના દરવાજા ખખડાવ્યા અને ચૂંટણીની મતગણતરી અટકાવવા માટેના પ્રયત્નો કર્યા પણ આખરે બિડેનની જીત થઈ ગઈ છે. છતાં ટ્રમ્પ જીત નહીં પણ ચોરી હોવાની વાત કરી રહ્યા છે. હવે ટ્રમ્પની જીદ સામે દીકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશ્નરે પિતાને વિનંતી કરી છે. દીકરીએ પિતાને ખેલદિલી સાથે હારને સ્વીકારી લેવા માટે જણાવ્યુંછે.

સીએનએનના રિપોર્ટ મુજબ કુશ્નરે પોતાના સસરાને મનાવવાની અને હાર સ્વીકારી લેવામાં આવે તેવી અરજ કરી છે. કુશ્નરે રેસનું જે પરિણામ આવ્યું છે તે ટ્રમ્પને સ્વીકારી લેવા માટે કહ્યું છે. બીજી તરફ ટ્રમ્પ કોઈની વાત સાંભળા માટે તૈયાર નથી થઈ રહ્યા. રિપોર્ટ્સમાં પિતાના વર્તનના કારણે દીકરી ઈવાંકા પણ પરેશાન હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ ટ્રમ્પ પરિવારમાં બે ફાંટા પડી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ટ્રમ્પનો જીતનો આત્મ વિશ્વાસ ચૂંટણી હાર્યા બાદ ચૂર થઈ ગયો છે. આવામાં ટ્રમ્પ પરિવાર વચ્ચે બે ફાંટા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનિયર પિતાની સાથે રહીને તેમને પરાજય સ્વીકારવાની જાહેરાત ના કરવા માટે કહી રહ્યા છે તો બીજી તરફ જમાઈ અને દીકરી પિતાને સમજાવી રહ્યા છે કે, એક રેસ હતી જેનું પરિણામ આવી ગયું છે અને તે આપણે સ્વીકારવું પડશે.

રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પના મુખ્ય સલાહકાર અને તેમના જમાઈ કુશ્નરે એકદમ ધીરજ અને શાંતિ દિમાગથી સમજાવવાની કોશિશ કરી હતી. ટ્રમ્પના પત્ની મેલાનિયાએ પણ પતિને શાંતિ સમજાવીને પરાજય કબૂલી લેવા માટે કહ્યું હતું. પરંતુ ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા માટે તૈયાર નથી અને તેઓ ચૂંટણીમાં ખોટી રીતે જીત મેળવાઈ રહી હોવાના આક્ષેપ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા જો બિડેન પર વાર કરી રહ્યા છે.

(12:00 am IST)