Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

‘લોકલ ફોર વોકલ’ સાથે ‘લોકલ ફોર દિવાળી ને પ્રોત્સાહન આપવા અપીલ કરતા વડાપ્રધાન મોદી

સ્થાનિક લોકો સાથે દિવાળી મનાવવાથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે

નવી દિલ્હી : કોરોનાકાળમાં આત્મનિર્ભર ભારત અભિયાનની લોન્ચિંગ કરતા વોકલ ફોર લોકલની અપીલ કરનાર વડાપ્રધાન મોદીએ હવે ફેસ્ટિવ સીઝનમાં વધુ એક અપીલ કરી છે. પીએમ  મોદીએ સોમવારે એક ઇવેન્ટમાં જણાવ્યું કે આપણે ‘લોકલ ફોર દિવાળી’ પર ફોકસ કરવુ જોઇએ. તેમણે જણાવ્યું કે દિવાળીના અવસરે માત્ર દિવા જ નહીં પરંતુ તમામ વસ્તુ સ્વદેશી જ ખરીદવી જોઇએ. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકો સાથે દિવાળી મનાવવાથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે. લોકોને તહેવારની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમે જોઇ રહ્યા છો કો ‘લોકલ ફોર વોકલ’ સાથે ‘લોકલ ફોર દિવાળી’ મંત્ર પણ દરેક જગ્યા ગૂંજી રહ્યો છે.

પીએમ  મોદીએ જણાવ્યું કે માત્ર દિવા ખરીદવા જ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવું નથી. આપણે દિવાળી પર તમામ વસ્તુ સ્થાનિક લોકો પાસેથી ખરીદવી જોઇએ. તેનાથી તે વસ્તુ બનાવનારને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાને વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા વારાણસી માટે યોજનાઓનું ઉદ્ઘાઘટન કરતા જણાવ્યું કે,હું વારાણસી અને દેશવાસીઓને કહેવા માંગુ છું કે મોટા સ્તરે ‘લોકલ ફોર દિવાળી’ને પ્રોત્સાહન આપે.

પીએમે જણાવ્યું કે જ્યારે દરેક વ્યક્તિ અભિમાન સાથે સ્થાનિક વસ્તુઓ ખરીદશે, સ્થાનિક ઉત્પાદક વિશે વાત કરશે, તેમની જય કરશે અને બીજા સુધી આ સંદેશ જશે કે આપણા સ્થાનિક ઉત્પાદનો ખૂબ જ સારા છે તો, આ સંદેશ દૂર સુધી જશે

તેમણે આગળ જણાવ્યું કે માત્ર સ્થાનિક ઓળખ મજબૂત નથી થાય, જે લોકો આ સ્થાનિક ઉત્પાદનો બનાવે છે, તેમની દિવાળી પણ વધુ ઉજ્જવળ બનશે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે લોકલ તરફ જવાનો અર્થ માત્ર ‘દિવો’ ખરીદવો નથી, પરંતુ દિવાળીમાં તમે જે કંઇ પણ ઉપયોગ કરો છે તે બધુ સ્થાનિકો પાસેથી ખરીદો. એ તેને બનાવનારને પ્રોત્સાહિત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ કોરોનાકાળમાં ઇકોનોમીને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી છે.

(12:00 am IST)