Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

યુક્રેનનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ટવીટ કરીને આપી જાણકારી

ટ્વીટ કર્યું કે એવુ કોઈ નસીબદાર વ્યક્તિ નથી કે જેના માટે કોરોના ચેપ જોખમી નથી, તમામ ઉપાયો છતા કોરોનાનો ચેપ લાગ્યો

યુક્રેનનાં રાષ્ટ્રપતિ, વ્લાદિમીર ઝેલેન્સ્કી પણ કોવિડ-19 ની ઝપટમાં આવ્યા છે વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પોતે ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા અંગે માહિતી આપી છે. આપને જણાવી દઇએ કે, યુરોપમાં કોરોના વાયરસની બીજી લહેર ફેલાઈ ગઈ છે ત્યારે ફ્રાન્સ અને બ્રિટને સંપૂર્ણ લોકડાઉન-2 ની જાહેરાત કરી દીધી છે.

યુક્રેનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, અહીં રોજ નવા નવા કેસોની સંખ્યા વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનમાં અત્યાર સુધીમાં 4.69 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. વળી રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 8,565 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, યુક્રેનનાં રાષ્ટ્રપતિ, વ્લાદિમીર ઝેલેન્સ્કી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચ્યો છે. સોમવારે, તેમણે ટ્વિટ કર્યું, “એવુ કોઈ નસીબદાર વ્યક્તિ નથી કે જેના માટે કોરોના ચેપ જોખમી નથી, તમામ ઉપાયો છતા કોરોનાનો ચેપ લાગ્યો છે.” હમણા મારી તબિયત સારી છે અને હું ઘણા બધા વિટામિન લઈ રહ્યો છું.’

વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યુ કે, મેં પોતાને લોકોથી અલગ કરી દીધેલ છે પણ કામ કરી રહ્યો છું. જેમ મોટાભાગનાં લોકોએ કોરોના વાયરસને હરાવી દીધો છે, તેવી જ રીતે હું પણ આ રોગને દૂર કરીશ, બધું સારું થઈ જશે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં રશિયા અને ફ્રાન્સમાં નવા નવા કેસો નોંધાયા છે. વિશ્વભરમાં કોરોના ચેપનાં કુલ કેસો વિશે વાત કરવામાં આવે તો, આ સંખ્યા અત્યાર સુધીમાં 5,08,81,193 પર પહોંચી ગઈ છે અને 12,64,308 લોકોનાં મોત નોંધાયા છે.

(9:16 am IST)