Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટમાં કોરોના ફરી ધૂણ્યો

આજે ૬નો ભોગ લીધો : નવા ૧૫ કેસ

શહેરનો કુલ આંક ૯૧૦૭: આજ દિન સુધીમાં ૮૪૭૬ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૩.૨૨ ટકાએ પહોંચ્યો :સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૧ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ :શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૮૭ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૦ : શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં ફરી વધુ થવા પામ્યો છે. ગઇકાલે ૪ મૃત્યુ થયા હતા. જયારે આજે માત્ર ૬ દર્દીઓનાં મોત થયા  છે. શહેરમાં બપોર સુધીમાં ૧૫ કેસ નોંધાયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૬નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૧  પૈકી એક  મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૧૮૭ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯૧૦૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૪૭૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૨૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૯૨૩  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૯ં કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪૩ ટકા થયો  હતો. જયારે ૬૭  દર્દીઓને સાજા થયા હતા. છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૭૪,૦૯૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૦૫૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩  ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  ગુલાબ વાટિકા સોસાયટી- અમીન માર્ગ, ગુજરાત હાઉસીંગ બોર્ડ- અમીન માર્ગ, દીપગુંજન સોસાયટી-કાલાવડ રોડ, જનતા સોસાયટી- અન્ડર બ્રિજ પાસે, પારસ સોસાયટી- નિર્મલા રોડ, શ્રી કોલોની- નાના મૌવા રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૨૪ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૩ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૪,૭૯૫  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૩  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જયારે શહેરનાં વિવિધં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૫,૫૧૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:44 pm IST)