Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

૧૨ સાયન્સમાં ૯૮.૫% લાવનારી છોકરીએ ગરીબીથી તંગ આવી જીવન ટૂંકાવ્યું

દિલ્હીની પ્રખ્યાત લેડી શ્રીરામ કોલેજમાં ભણતી હતી મૃતક, ઓનલાઈન કલાસ માટે લેપટોપ ના હોવાથી કંટાળીને કર્યો આપઘાત

હૈદરાબાદ, તા.૧૦: કોરોનાકાળમાં ઓનલાઈન એજયુકેશનની બોલબાલા વધી રહી છે. જોકે, જે લોકો પાસે સ્માર્ટફોન કે લેપટોપના રુપિયા નથી તેમના માટે આ સમય શ્રાપરુપ બની રહ્યો છે. આવી જ એક ઘટનામાં મા-બાપ પાસે ફોન કે લેપટોપના રુપિયા ના હોવાથી ૧૨માં ધોરણમાં ૯૮ ટકા લાવનારી છોકરીએ જીવનનો અંત આણ્યો છે.

તેલંગાણા રાજયની આ ઘટનામાં ૧૯ વર્ષીય યુવતી દિલ્હીની પ્રતિષ્ઠિત લેડી શ્રીરામ કોલેજમાં મેથ્સ ઓનર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. જોકે, કોલેજ બંધ થઈ જવાથી તેને ઘરે પરત આવવાની ફરજ પડી હતી, અને લેપટોપ કે ફોન ના હોવાથી તે ઓનલાઈન કલાસ અટેન્ડ કરી શકે તેમ નહોતી.

મૃતકના પિતા બાઈક રિપેર કરવાનું કામ કરે છે. અત્યંત ગરીબી વચ્ચે પણ તેમણે ઘર ગીરવે મૂકીને પોતાની દીકરીને ભણવા માટે દિલ્હી મોકલી હતી.

ઓકટોબર મહિનામાં તેણે પિતાને લેપટોપ માટે વિનંતી કરી હતી, કારણકે ફોન પર ઓનલાઈન કલાસ અટેન્ડ કરવા મુશ્કેલ થઈ રહ્યા હતા. તેના પિતા પાસે રુપિયા ના હોવાથી તેમણે દીકરીને થોડો સમય રાહ જોવા કહ્યું હતું.

જોકે, યુવતી પોતાના પિતાની સ્થિતિથી સારી રીતે વાકેફ હતી. ઘર ગીરવે મૂકીને લીધેલી લોન ઉપરાંત બીજી એક લોનના પણ તેઓ હપ્તા ભરતા હતા, અને લોકડાઉનમાં તેમનો કામધંધો પણ ઠપ્પ થઈ ગયો હતો.

ગત મંગળવારે જયારે પરિવાર ઘરમાં હાજર હતો, ત્યારે મૃતક યુવતીએકલી એક રુમમાં ચાલી ગઈ હતી અને તેણે પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે તેલુગુમાં એક સ્યૂઈસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે પરિવાર પર બોજ બનવા નથી માગતી.

આશાસ્પદ યુવતીએ સ્યૂઈસાઈડ નોટમાં લખ્યું હતું કે તેનું શિક્ષણ પરિવાર માટે બોજારુપ બની રહ્યું છે. પરંતુ હું ભણી નહીં શકું તો જીવી પણ નહીં શકું. મને મળનારી INSPIRE સ્કોલરશિપના ૧.૨૦ લાખ રુપિયા આવતા વર્ષે જમા થવાના છે. તેને લેવાનું ભૂલતા નહીં.

ગરીબ મા-બાપની દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે IAS બનવા માગતી હતી, પરંતુ મા-બાપ પાસે તેને ભણાવવાના રુપિયા નહોતા. છતાંય ગમે તેમ કરી તેમણે દીકરીને દિલ્હી મોકલી હતી.

મોટી બહેન કોલેજમાં ભણી શકે તે માટે તેની નાની બહેને પણ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. ઐશ્વર્યાના આપઘાત માટે સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં કરેલા મોડાને જવાબદાર ગણાવ્યું છે.

(10:25 am IST)