Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જો ટ્રમ્પ પરાજય ન સ્વીકારે તો શું વિકલ્પ? શું ખાલી કરશે વ્હાઇટ હાઉસ?

૧૫ જાન્યુ. પહેલા બધા સરકારી વિભાગોને બિડેનને સોંપવા જરૂરી છે

વોશિંગ્ટન, તા.૧૦: અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણીમાં જો બાઈડન સામે થયેલી હારને ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારવા તૈયાર નથી. એવામાં અમેરિકાનું વહીવટી તંત્ર સત્ત હસ્તાંતરણની પ્રક્રિયા પણ શરૂ કરી શકતું નથી. ૨૦ જાન્યુઆરી ૨૦૨૧એ જો બાઈડન અમેરિકાના ૪૬માં પ્રેસિડન્ટ તરીકેના શપથ લેશે. એવામાં ૧૫ જાન્યુઆરી પહેલા અમેરિકાના બધા સરકારી વિભાગોને બાઈડન વહીવટી તંત્રને સોંપવા જરૂરી છે.

અમેરિકાના જનરલ સર્વિસીઝ એડમિનિસ્ટ્રેશન (જીએસએ) પર બાઈડનને ઈલેકટેડ પ્રેસિડન્ટ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપવાની જવાબદારી છે. તે પછી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા આરંભ થશે. એજન્સીના એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફીએ હજુ સુધી આ પ્રક્રિયાનો આરંભ નથી કર્યો અને એ પણ નથી જણાવ્યું કે, તેઓ કયારે પ્રક્રિયા શરૂ કરશે. એમિલીની નિમણૂક ટ્રમ્પે કરી હતી. આ મામલે સ્પષ્ટતા ન હોવાના કારણે પ્રશ્ન ઊભા થવા લાગ્યા છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બનાવવાના ડેમોક્રેટિક પાર્ટીના પ્રયાસોમાં અડચણ ઊભી કરશે?

અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડનની જીત પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે બસ બે જ વિકલ્પ છે. પહેલો- તેઓ દેશ માટે ગરિમાપૂર્વક હાક સ્વીકારી લે અને બીજો- એવું ન કરવા પર હકાલપટ્ટી કરવામાં આવે. ટ્રમ્પના કેટલાક નજીકના સહયોગીઓ તેમને ગરિમાપૂર્વક હાર સ્વીકારી લેવા રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલાક રિપબ્લિકન સહયોગી તેમને હાર ન સ્વીકારવા પ્રેરિત કરી રહ્યા છે. દક્ષિણ કેરોલિનાથી સેનેટર લિંડસે ગ્રાહમે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, 'ટ્રમ્પ હાર્યા નથી. મિ. પ્રેસિડન્ટ હાર ન મનો. મક્કમતાથી લડો.'

ટ્રમ્પની નજીકના લોકોનું કહેવું છે કે, એ વાતની આશા નથી કે, ટ્રમ્પ ઔપચારિક રીતે હાર સ્વીકારી લેશે. પરંતુ, પોતાના કાર્યકાળના અંતમાં તેઓ કમને વ્હાઈટ હાઉસ ખાલી કરી દેશે. ચૂંટણીને અયોગ્ય સાબિત કરવાના ટ્રમ્પના પ્રયાસોને તેમના અહમને સંતોષવા માટેના અને પોતાના સમર્થકોને એ દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના મિત્ર તેમજ સલાહકાર રોજર સ્ટોનને જયારે પૂછવામાં આવ્યું કે, શું ટ્રમ્પ હારનો સ્વીકાર કરશે, તો તેમણે કહ્યું કે, મને તેને લઈને આશંકા છે.

સ્ટોને કહ્યું કે, તેના પરિણામે પ્રેસિડન્ટ તરીકે બાઈડન પર હંમેશા શંકાના વાદળો ઘેરાયેલા રહેશે અને દેશના અડધા લોકો માનતા રહેશે કે તેમને ગેરકાયદેસર ચૂંટવામાં આવ્યા છે. ટ્રમ્પના પુત્રો ડોનાલ્ડ જૂનિયર અને એરિકે પણ પોતાના પિતાને લડતા રહેવાની અપીલ કરી છે અને રિપબ્લિક નેતાઓને તેમની સાથે ઊભા રહેવા કહ્યું છે. રિપબ્લિક નેતા એન્ડી બિગ્સે પણ ટ્રમ્પને હાર ન માનવાની સલાહ આપી છે.

બાઈડનના સત્તા હસ્તાંતરણ સહયોગી જેન પ્સાકીએ રવિવારે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા તેમજ તેના આર્થિક હિત એ વાત પર નિર્ભર કરે છે કે, ફેડરલ ગવર્મેન્ટ એ સ્પષ્ટ અને ત્વરિક સંકેત આપે કે તે અમેરિકાના લોકોની ઈચ્છાનું સન્મન કરશે અને સત્તા હસ્તાંતરણમાં શાંતિપૂર્વક અને સહજ રીતે સહયોગ આપશે. વ્હાઈટ હાઉસમાં ગત ત્રણ કાર્યકાળોમાં સામેલ રહેલા એક બંને પક્ષોના સમૂહે પણ ટ્રમ્પને ચૂંટણી બાદ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા તાત્કાલિક આગળ વધારવાની અપીલ કરી છે.

(10:25 am IST)