Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પ્રજાએ પક્ષ પલ્ટો સ્વીકાર્યો કોંગ્રેસના સુપડા સાફ થયા

ગુજરાતની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાયો

મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડામાં આત્મારામ પરમાર, લીંબડીમાં કિરીટસિંહ રાણા, ધારીમાં ભાજપના જે.વી. કાકડિયાનો જયજયકાર : સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપની તડાફડીઃ કોંગ્રેસનું સૂરસૂરીયુઃ કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણી (અબડાસા), જયંતીભાઈ પટેલ (મોરબી), મોહનભાઈ સોલંકી (ગઢડા), સુરેશભાઈ કોટડિયા (ધારી), ચેતનભાઈ ખાચર (લીંબડી)નો પરાજયઃ મત ગણતરી સ્થળે કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું પાલન

રાજકોટ તા. ૧૦ :. ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભાજપનો જયજયકાર થયો છે. પ્રજાએ પક્ષપલ્ટો સ્વીકાર્યો છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.

ગયા મંગળવારે અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ અને લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થયુ હતું. જેનુ આજે પરિણામ જાહેર થતા બપોર સુધીમાં આઠેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. જો કે સત્તાવાર પરિણામ સાંજ સુધીમા જાહેર થશે.

આ ચૂંટણીમાં કરજણ બેઠક ઉપર અક્ષય પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કપરાડા બેઠક ઉપર પણ જીતુ ચૌધરી વિજય તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે ડાંગ બેઠક ઉપર ભાજપના વિજય પટેલનો વિજય નિશ્ચિત છે.

મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છની ૫ સહિત ગુજરાતની ૮ બેેઠકો માટે મતદાન યોજાયા બાદ આજે સવારના ૮ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો છે. જેમાં પાંચેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. પ્રારંભે મોરબી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ આગળ હતા. જો કે બપોરે ૧૨ વાગ્યા પછી ચિત્ર પલ્ટાયુ હતુ અને ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા આગળ થઈ ગયા છે. 

આજે સવારે મતગણતરી કેન્દ્રો ખાતે પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇવીએમ મશીનથી ગણતરી શરૂ કરાઇ હતી.

આજે અબડાસા, મોરબી, લીંબડી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે.

બપોરના ૨.૩૦ વાગ્યા સુધીમાં ૩૨ રાઉન્ડના અંતે મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા ૪૧૭૩ મતથી આગળ છે. 

જ્યારે કચ્છ-અબડાસા બેઠક ઉપર ૨૩ રાઉન્ડના અંતે ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણી કરતા ૩૦૨૭૬ મતથી આગળ છે.

અમરેલી જિલ્લાની ધારી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા ૧૪૭૮૨ મતથી આગળ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મનુભાઈ કોટડીયાને ૨૩ રાઉન્ડના અંતે ૨૪૯૭૬ મત મળ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બેઠક ઉપર ૨૮ રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણાને ૨૪૪૮૧ મત મળ્યા છે.

જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આત્મારામભાઈ પરમારને ૧૩ રાઉન્ડના અંતે ૧૩૭૧૯ મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી પાછળ ચાલી રહ્યા છે.

વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લઇને ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ પ્રત્યેક વિધાનસભા મતવિભાગ માટે દરેક હોલમાં ટેબલની સંખ્યા મર્યાદિત રાખવામાં આવેલ છે અને એક કરતા વધુ હોલમાં મતગણતરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પણ નિયુકિત કરવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્ર ખાતે પ્રવેશ મેળવનાર ઉમેદવાર, તેમના એજન્ટ, ફરજ પર નિયુકત સ્ટાફ સહિતની પ્રત્યેક વ્યકિતના શરીરનું તાપમાન માપવા માટે પૂરતી સંખ્યામાં થર્મલ ગન અને મતગણતરી માટેના કર્મચારીઓ - અધિકારીઓ માટે એન-૯૫ માસ્ક, ફેસ શીલ્ડ, રબર હેન્ડ ગ્લોવ્ઝ અને સેનીટાઇઝર્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મતગણતરી માટેના હોલમાં પણ ઉમેદવાર, તેમના એજન્ટ, ફરજ પર નિયુકત સ્ટાફની બેઠક વ્યવસ્થા સામાજીક અંતર જળવાય તે રીતે જ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. મતગણતરીની કાર્યવાહીની શરૂઆત કરતા પહેલા મતગણતરી માટેના હોલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું.

આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતા બપોરે ૧૨ થી ૨ વાગે તેવી પણ શકયતા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ કહ્યું કે દર વખતે એક મથક પર ૧૫૦૦ મતદારોનું ધોરણ હોય છે. આ વખતે કોવિડ ગાઇડલાઇનને કારણે તે રેશીયો ૧ હજાર મતદારનો કરવામાં આવ્યો છે. જેથી ઇવીએમની સંખ્યા પણ વધી છે અને તે પ્રમાણે ટેબલ અને રાઉન્ડ પણ વધુ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે મતગણતરીમાં થોડો વિલંબ થાય તેવી શકયતા છે.

ચૂંટણી પંચ દ્વારા હાલ ૮ મતગણતરી કેન્દ્રો ઉપર સ્ટ્રોંગ રૂમમાં થ્રી લેયર સલામતી વ્યવસ્થા વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવ્યા છે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ૮ કેન્દ્રો ઉપર ૨૫ ખંડમાં ૯૭ ટેબલ પર ગણતરી કરવામાં આવશે. કુલ ૩૨૦ કર્મચારીઓ દ્વારા મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ છે.

મતગણતરી કેન્દ્ર ઉપર પ્રવેશનાર ઉમેદવાર, તેમના એજન્ટ, સ્ટાફ સહિત તમામનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.

(2:57 pm IST)