Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સમગ્ર રાજયમાં ટોપર રહેલ ઐશ્વર્યાએ મૃત્યુનો વિકલ્પ અપનાવ્યો

અપાર કરૂણતાઃ આઇએએસ બનવા કેન્દ્રની સ્કોલરશીપ મેળવી દિલ્હી આવેલઃ પરિવારે ઘર ગીરવે મુકેલઃ શિષ્યવૃતિ અટકાવી દેવાતા જીવ દીધો : માતા દરજીકામ કરતીઃ પિતા બાઇક મીકેનીક હતાઃ દાગીના ગિરવે મુકી લોન લીધેલઃ નવા વર્ષ માટે ફીની ચિંતા હતીઃ વિદ્યાર્થી-સ્ત્રી સંગઠનો રસ્તા ઉપર ઉતર્ર્યા

હૈદ્રાબાદઃ 'મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારા કારણે પરિવારને ઘણો ખર્ચ વેઠવો પડે છે. હું અને મારું શિક્ષણ તેમની પર બોજ છે' આવું લખેલો પત્ર મળ્યા પછી બીજા જ દિવસે દિલ્હીની લેડી શ્રી રામ કોલેજની વિદ્યાર્થીની એશ્વર્યા રેડ્ડીનો મૃતદેહ તેના હૈદરાબાદના નિવાસ સ્થાન શાદનગર ખાતે મળ્યો હતો. ઐશ્વર્યા ધોરણ-૧રમાં સમગ્ર રાજયમાં મોખરે રહી હતી. તેને વિજ્ઞાન  અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા 'ઈન્સ્પાયર' સ્કોલરશિપ પણ અપાઈ હતી. જોકે, માર્ચ મહિનાથી એશ્વર્યાને શિષ્યવૃત્ત્િ।ના નાણાં મળ્યા ન હતા.

એશ્વર્યા ગણિતમાં બીએસસી (ઓનર્સ)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે માતા અને પિતા સાથે રહેતી હતી. તેના માતા દરજી અને પિતા બાઇક મિકેનિક છે. દેશભરમાં લોકડાઉન લાગુ થયા પછી  સમગ્ર પરિવાર આર્થિક ખેંચ અનુભવી રહ્યો હતો. સ્કોલરશિપની રકમ નહીં મળવાને કારણે માતાપિતાએ પુત્રીના શિક્ષણ માટે ઘર ગીરવે મૂકવાનો વારો આવ્યો હતો.

આઇએએસ ઓફિસર બનવા માંગતી એશ્વર્યા બે વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તેયારી કરતી હતી. પરિવારે તેના શિક્ષણ માટે રૂ.બે લાખમાં ઘર ગીરવે મૂકયું હતું. સોનાના દાગીના પર પણ ઉછીના નાણાં લીધા હતા અને અન્ય સંતાનનો અભ્યાસ છોડાવી દીધો હતો. બહારના રાજયમાં હોસ્ટેલ માટે તેમજ એશ્વર્યાને દિલ્હી પરત મોકલવા પરિવાર નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. આ તમામ બાબતોને કારણે ૧૯ વર્ષની એશ્વર્યા પર દબાણ વધ્યું હતું.

એશ્વર્યાએ છેલ્લા પત્રમાં લખ્યું હતું કે, 'હું શિક્ષણ વગર જીવી શકું તેમ નથી. હું આ બાબતે ઘણા દિવસોથી વિચાર કરતી હતી અને મને આ સ્થિતિમાં મૃત્યુ જ એક માત્ર વિકલ્પ જણાય છે. હું સારી પુત્રી નથી,' એશ્વર્યાએ હૈદરાબાદના શાદનગર ખાતે તેના ઘરમાં બીજી નવેમ્બરે આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુથી દિલ્હી યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ પ્રેસને આપેલા નિવેદનમાં આરોપ મૂકયો હતો કે, મંત્રાલય અને કોલેજના વહીવટી મંડળને ઘણા પત્ર લખ્યા છતાં વિધાર્થીનીને માર્ચ મહિનાથી સ્કોલરશિપની રકમ મળી ન હતી.

એશ્વર્યાના પિતાજી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, નાણાકીય મુશ્કેલીના કારણે તેમની પુત્રી શિક્ષણ ચાલુ રહેવા અંગે ચિંતિત હતી. તે છેલ્લા ઘણા દિવસથી આ બાબતે વિચાર કરતી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું મિકેનિક છું, પણ મારું કામ સારું  ચાલતું નહીં હોવાથી તેને આગામી વર્ષની કોલેજ ફીની ચિંતા હતી.'

વિદ્યાર્થી-સ્ત્રી સંગઠનો રસ્તા પર ઉતર્યા

પરિવારની નબળી આર્થિક સ્થિતિથી પરેશાન દિલ્હીની લેડી શ્રીરામ (LSR) કોલેજમાં ભણતી  તેલંગાણાની ૧૯ વર્ષની વિધાર્થીનીની કથિત આત્મહત્યા પછી રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. રાહુલે ઇરાદાપૂર્વકના લોકડાઉન અને નોટબંધીને કારણે મોદી સરકારે ઘણા ઘર બરબાદ કર્યા હોવાનો આરોપ મૂકયો છે. કોંગ્રેસ સંલગ્ન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના સભ્યોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'ના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ડાબેરી પક્ષો સાથે સંલગ્ન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)એ પણ દિલ્હીની યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી બહાર દેખાવો કર્યા હતા. વિધાર્થીનીએ સ્કોલરશિપ નહીં મળ્યાની ફરિયાદ કરી હોવાની વાતને LSR કોલેજના મેનેજમેન્ટે નકારી કાઢી હતી.

(2:47 pm IST)