Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ઉઠતો સો મણનો સવાલ

શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?

નવી દિલ્હી તા. ૧૦ : બિહારમાં ભાજપ અને આરજેડી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. રાજયમાં પિકચર હજુ કિલયર નથી થયું, પરંતુ ભાજપ નંબર વન પક્ષ બનીને ઉભરે તેવી શકયતા વધી જતાં હવે નીતિશ ફરી સીએમ બની શકશે કે કેમ તે સવાલ પર ચર્ચા શરુ થઈ છે.

બિહારમાં એનડીએને બહુમતી મળે તેવું અત્યારસુધીના ટ્રેન્ડ્સને આધારે લાગી રહ્યું છે. નીતિશ કુમાર પણ ફરી સીએમ બનવા માટે તૈયાર છે. ખુદ પીએમ મોદી પણ કહી ચૂકયા છે કે નીતિશ કુમાર જ એનડીએના સીએમ કેન્ડિડેટ હશે. જોકે, નીતિશ ખરેખર ફરી સીએમ બની શકશે કે કેમ તેનો સમગ્ર આધાર ભાજપ પર રહેશે.

ભાજપને આ ચૂંટણીમાં જેડીયુ કરતાં ઘણી વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે. જેડીયુ હવે જૂનિયર સહયોગી દેખાતી નજરે પડી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ પણ શબ્દોને તોલી-તોલીને નિવેદન આપી રહ્યા છે. પક્ષના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, હાલ તો હું એમ જ કહીશ કે નીતિશ સીએમ બનશે. સાંજ સુધી પરિણામ આવ્યા બાદ જોઈશું કે શું રાજકીય સ્થિતિ સર્જાય છે.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે નીતિશ કુમારનું કામ ઘણું સારું હતું. જોકે, દુષ્પ્રચારને કારણે જેડીયુનો વોટ શેર ઘટ્યો છે. મોદીના જાદુથી ભાજપનો સ્ટ્રાઈક રેટ સારો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જે વલણ આવી રહ્યા છે તે મોદીની અસર છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોના કાળમાં બિહાર પરત ફરેલા લોકોમાં બેરોજગારી અને પૂરને કારણે સીએમ નીતિશ કુમાર પ્રત્યે નારાજગી સામે આવી રહી હતી. આ જ સ્થિતિને પામીને ચિરાગ પાસવાને પાટલી બદલી હતી, અને એનડીએથી અલગ થઈ ગયા હતા. તેવામાં પીએમ મોદીએ બિહારમાં ઝંઝાવાતી પ્રચાર કરી આખો માહોલ બદલી નાખ્યો.

૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશે લાલુ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ થોડા જ મહિનાઓમાં તેનો અંત આવ્યો હતો. ત્યારબાદ નીતિશે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી લીધી હતી. નીતિશ અને ભાજપના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. ભાજપના પોસ્ટરમાંથી નીતિશનો ફોટો હટાવી દેવાયા બાદ પણ જેડીયુ ફિકસમાં મૂકાઈ ગયું હતું, પરંતુ કંઈ બોલી શકે તેમ નહોતું. હવે જો ભાજપને બિહારમાં સૌથી વધુ બેઠકો મળે તો સીએમની ખુરશી નીતિશને મળે છે કે કેમ અને જો મળે તો કઈ શરતો પર મળે છે તે પણ જોવાનું રહેશે.

(4:10 pm IST)