Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જો આરજેડીની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર ન બની શકી તો તેની જવાબદારી કોંગ્રેસની હશેઃ તેજસ્‍વી યાદવે કોંગ્રેસ પાસે રાખેલી ચમત્‍કારની આશા ઠગારી નીવડી

પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જો આરજેડીની આગેવાની હેઠળ મહાગઠબંધનની સરકાર ન બની શકી તો તેની જવાબદારી કોંગ્રેસની હશે. કોંગ્રેસે તેને ફાળવવામાં આવેલી સીટોની તુલનાએ અત્યંત નબળો દેખાવ કર્યો છે.

બિહાર વિધાનસભાની 243 બેઠકોમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા મુજબ આરજેડી 144 બેઠકો પર, કોંગ્રેસ 70 બેઠકો પર અને ડાબેરીઓ અને અન્ય બાકીની બેઠકો પર લડ્યા હતા. હવે આ 70 બેઠકો પર લડનારી કોંગ્રેસ માંડ 20 બેઠક પણ મેળવી રહી નથી. તેથી તેજસ્વીએ કોંગ્રેસ પાસે જે થોડા ઘણા ચમત્કારની આશા રાખી હતી તે ઠગારી નીવડી રહી છે. આ જોતાં તેજસ્વીને લાગતું હશે કે જો તેણે પોતે જ 200 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હોત તો તેની સ્થિતિ ઘણી સારી હોત.

તેજસ્વી એકલા હાથે લડ્યો હોત તો તેના માટે સારું હતું

આ સિવાય તેજસ્વી તેમ માનવા પણ પ્રેરાય કે કમસેકમ વિધાનસભા ચૂંટણી તેણે એકલા હાથે લડવાની જરૂર હતી, કોંગ્રેસને જોડે રાખવાની જરૂર ન હતી. કોંગ્રેસનો નબળો દેખાવ આજે તેને સીટ ગુમાવવાની સાથે-સાથે સરકાર રચતા પણ અટકાવી રહ્યો છે. આમ સરકાર રચવા માટે એક સમયે આરજેડીની મજબૂત સ્થિતિ કોંગ્રેસના કારણે નબળી પડી રહી છે. હવે તેજસ્વીના પક્ષની અંદર પણ સવાલ પૂછવામાં આવી શકે છે કે તેમને સરકાર રચતી કોંગ્રેસના ફાળે આટલી સેટો કેમ આપવામાં આવી.

કોંગ્રેસની આ સ્થિતિ કંઈ ફક્ત બિહારમાં છે તેવું નથી. બધા રાજ્યમાં છે. રાજકીય જનાધાર ગુમાવવાની સાથે-સાથે કોંગ્રેસનું સંગઠન નબળુ પડી ગયું છે. ગ્રાઉન્ડ સ્તરે કોંગ્રેસના કાર્યકરો નથી અને મોટા નેતાઓ પણ ગુમનાર છે. આ નબળાઈઓએ કોંગ્રેસને પોતાના હરીફ પક્ષોની તુલના કરવા માટે પણ છોડી નથી.

કોંગ્રેસને 70 બેઠકો કેમ

આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલા અંગે શરૂઆતથી જ વિવાદ ઉઠતા હતા. આખરે કુલ 243 બેઠકમાંથી 70 બેઠક મહાગઠબંધનના સૌથી નબળા ઘટક પપક્ષને કેમ આપવામાં આવી. આમ કોંગ્રેસનો નબળો દેખાવ તેજસ્વીની નાની વયના સીએમ બનવાની આશા પર પાણીફેરવી શકે છે.

કોંગ્રેસનો આ પરાજય ફક્ત કોંગ્રેસ પૂરતો જ સીમિત ન રહેતા સમગ્ર યુપીએનો બનીને રહેશે. આ પરાજય કોંગ્રેસના સમેટાઈ રહેલા કદના વધારે સીમિત કરશે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતાઓ પર ટિકિટ વેચવા સહિતના આરોપીઓએ કોંગ્રેસની છાપ વધારે ખરાબ કરી હતી. ઉમેદવારોની પસંદગમાં પણ અનેક ગરબડોના આરોપ લાગ્યા હતા. મજબૂત નેતૃત્ત્વના અભાવની સાથે આ કારણો પણ લોકમાનસમાં કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસનું કારણ બન્યા. આ બધા કારણોના લીધે આજે કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ મહાગઠબંધનના વિજયમાં સૌથી મોટા અવરોધ તરીકે જોવા મળી રહ્યો છે.

(5:16 pm IST)